રાજકોટ શહેરમાં હાલ બેવડી ઋતુના કારણે રોગચાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 2315 જેટલા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે પહોંચ્યા છે. જેમાં સૌથી વધુ શરદી અને ઉધરસના 1264 કેસ નોંધાયા છે, જ્યારે સામાન્ય તાવના 836 કેસ સામે આવ્યા છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરા તાપના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર માઠી અસર પડી રહી છે, જેના પરિણામે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
આરોગ્ય તંત્રમાં દોડધામ
શહેરના સિવિલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શરદી-ઉધરસ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના કેસોમાં પણ આંશિક વધારો થયો છે. તબીબોએ નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, બહારનો ખોરાક ટાળવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને આ બદલાતા હવામાનમાં સાચવવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે.
આ પણ વાંચો : Rajkot માં વૃદ્ધ દંપતીનો સામૂહિક આપઘાત, બીમારીથી કંટાળી નિવૃત ઇજનેર અને પત્નીએ ટૂંકાવ્યું આયુષ્ય


