શિયાળાની ઋતુમાં લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ દિવસોમાં અનેક વખત હાર્ટએટેકથી મોત થયાના કિસ્સા પણ સામે આવ્યા છે. કેમ શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધે છે તેને લઈને હેલ્થ એક્સપર્ટે જણાવ્યું. એક્સપર્ટના જણાવ્યા મુજબ ઠંડીની ઋતુમાં રક્તવાહિનીઓને સાંકડી થઈ જતા હૃદય પર દબાણ વધે છે. જેના કારણે લોકો હાર્ટ એટેકના શિકાર થાય છે. શરીરમાં કટેલાક સંકેતોને ઓળખી જો તમે આ ટેસ્ટ કરાવી લો તો હાર્ટની બીમારીનું નિદાન થઈ શકે છે અને તમે યોગ્ય સારવાર લઈ શકો છો.
ચોક્કસ પરીક્ષણો કરી હૃદય રોગનું થઈ શકે નિદાન
સામાન્ય રીતે ચોમાસા અને ઉનાળા કરતા લોકોમાં હાર્ટની સમસ્યા વધે છે. હૃદય રોગને વહેલા ઓળખવામાં મદદ કરવા માટે ચોક્કસ પરીક્ષણોની ભલામણ કરે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો શિયાળાની શરૂઆતમાં કોઈપણ રોગને વહેલા ઓળખવામાં મદદ કરવા માટે કેટલાક આવશ્યક હૃદય પરીક્ષણો કરાવવાની ભલામણ કરે છે. જે લોકોને શરીરમાં સામાન્ય કરતાં થોડો વધુ ફેરફાર સતત દેખાતો રહે તેમણે હાર્ટ માટે આ ટેસ્ટ જરૂર કરાવી લેવા જોઈએ.
હાર્ટ માટેના આ છે જરૂરી ટેસ્ટ
લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ : આ ટેસ્ટ તમારા લિપિડ પ્રોફાઇલને નક્કી કરે છે. આ ટેસ્ટ LDL (ખરાબ કોલેસ્ટ્રોલ), HDL (સારું કોલેસ્ટ્રોલ) અને ટ્રાઇગ્લિસરાઇડ્સ માપે છે. જો આ સ્તર ભલામણ કરેલ સ્તર કરતાં વધી જાય, તો તે તમારા હૃદયરોગના હુમલાનું જોખમ વધારી શકે છે.
બ્લડ પ્રેશર મોનિટરિંગ (બીપી ટેસ્ટ) : આ ટેસ્ટ લોહી પમ્પ કરતી વખતે હૃદયના દબાણને માપે છે. આ સમયે આ ટેસ્ટ મહત્વપૂર્ણ છે કારણ કે ઠંડા હવામાનને કારણે હૃદયની ધમનીઓ સંકુચિત થઈ શકે છે. આનાથી બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ચોક્કસપણે આ ટેસ્ટ કરાવવો જોઈએ.
(ECG / ઇકો) ટેસ્ટ : આ પરીક્ષણ હૃદયના ધબકારા, હૃદયના સ્નાયુની તાકાત અને અવરોધ અથવા હૃદયને નુકસાનના સંકેતો જાહેર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ છાતીમાં દુખાવો અનુભવી રહી હોય, તો આ પરીક્ષણ કરાવવું જોઈએ.
શિયાળામાં હાર્ટની સમસ્યા વધવાનું આ છે કારણ
શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધે છે. ખાસ કરીને સવારે 4 થી 6 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેકનો હુમલા સામાન્ય હોય છે. આ ઋતુમાં સવારે તાપમાન ઓછું હોય છે, જે હૃદયની ધમનીઓને અસર કરે છે, જેના કારણે હૃદયરોગનો હુમલો થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે દર વર્ષે ઉનાળાની સરખામણીમાં શિયાળામાં હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરની ઘટનાઓ વધે છે. તેથી, નિવારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ચોક્કસપણે આ ત્રણ પરીક્ષણો કરાવવા જોઈએ. જો કોઈ અસામાન્યતા જોવા મળે છે, તો દર્દીના પરિવારના ઇતિહાસ અને તબીબી ઇતિહાસના આધારે અન્ય પરીક્ષણો પણ કરવામાં આવે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


