આસામમાં અત્યારે હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો છે. કાર્બી આંગલોંગ જિલ્લામાં એક સામાન્ય વિવાદે હિંસક તોફાનનું સ્વરૂપ લીધું. આ વિવાદ એટલો બધો વધ્યો કે હિંસક તોફાનો ફાટી નીકળ્યા જેમાં બે લોકોના મોત થયા છે અને 38 પોલીસકર્મીઓ સહિત 45 થી વધુ લોકો ઘાયલ થયા છે. કાર્બી આંગલોંગમાં અત્યારે સ્થિતિ એટલી ગંભીર થઈ છે કે રાજ્ય સરકારે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે અને કડક કર્ફ્યુ લાદ્યો છે.
કાર્બી વિસ્તારમાં જમીન વિવાદ ઉગ્ર બનતા ફાટી હિંસા
કહેવાય છે કે જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું. ખરેખર આ ઉક્તિ આજે સાચી થઈ છે. કારણ કે કાર્બી આંગલોંગ જિલ્લામાં થયેલ હિંસક તોફાન પાછળનું કારણ મૂળ જમીન વિવાદ છે. લાંબા સમયથી કાર્બી આંગલોંગ જિલ્લામાં જમીન ખાલી કરાવવાનાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદે હાલમાં હિંસક સ્વરૂપ લીધું અને કાર્બી વિસ્તારમાં અનેક ઘરો, દુકાનો અને જાહેર મિલકતોમાં તોડફોડ કરવામાં આવી છે અને આગ લગાવવામાં આવી છે.
હિંસક તોફાનમાં 2ના મોત, અનેક ઘાયલ
કાર્બી જિલ્લામાં જમીન વિવાદ ઉગ્ર બનતાં તેમાં 2 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયો. આખરે આ મામલો વધુ વણસે તે પહેલા રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તાર અને તેની આસપાસ કડક કરફયુ સહિત અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા. પોલીસે જણાવ્યું હતું કે ખેરોની અને આસપાસના વિસ્તારોમાં અનેક ઘરો, દુકાનો અને જાહેર સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી હતી અથવા આગ લગાવવામાં આવી હતી. હિંસક ટોળું પાછળથી ડોંગકામોકમ પહોંચ્યું, જે રોંગહાંગનો મતવિસ્તાર છે, અને વિરોધીઓએ તેમના પૂર્વજોના ઘરને આગ લગાવી દીધી.
કાર્બી વિસ્તાર અત્યારે કેમ ભડકે બળી રહ્યો છે તે 10 પોઈન્ટમાં સમજીએ
૧. હિંસા બાદ કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. જોકે, વોઇસ કોલ અને ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડ સેવાઓ કાર્યરત રહે છે.
2. ખેરોની અને ડોંગકામોકમ વિસ્તારોમાં વિરોધીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા અને 45 લોકો ઘાયલ થયા, જેમાં 38 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે, જેના કારણે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવાની ફરજ પડી.
3.બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ સંરક્ષિત ગ્રામ્ય ચરાઈ અભયારણ્ય (VGR) અને વ્યાવસાયિક ચરાઈ અભયારણ્ય (PGR) જમીનો પરથી કથિત અતિક્રમણ દૂર કરવાની માંગણીઓથી હિંસા ભડકી હતી.
4. પોલીસ નવ ભૂખ હડતાળિયા વિરોધીઓને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગઈ ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. તેમની કથિત ધરપકડની અફવાઓએ લોકોમાં રોષ ફેલાવ્યો.
5. સોમવારે, કાર્બી એંગ્લોંગ ઓટોનોમસ કાઉન્સિલ (KAAC) ના વડા તૂલીરામ રોંગહાંગના પૂર્વજોના ઘરને વિરોધીઓ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે ઘણી દુકાનો, મોટરસાયકલ અને જાહેર મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી.
6. વહીવટીતંત્રે ભારતીય દંડ સંહિતા (BNSS) ની કલમ 163 લાગુ કરી છે. આ કલમ પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા, રેલીઓ, મશાલ પ્રગટાવવાના સરઘસ અને લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત કરે છે. સાંજે 5 થી સવારે 6 વાગ્યા સુધી હિલચાલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
7. આસામ સરકારે જણાવ્યું હતું કે અફવાઓ અને ઉશ્કેરણીજનક સામગ્રીના ફેલાવાને રોકવા માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે વોઇસ કોલ અને ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડને કાર્યરત રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.
8. આઈજી (કાયદો અને વ્યવસ્થા) અખિલેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે શાંતિ મંત્રણા ચાલી રહી છે અને લોકોને કાયદો હાથમાં ન લેવા અને કાનૂની માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે.
9. આ આંદોલન છઠ્ઠા અનુસૂચિના પહાડી જિલ્લામાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદને કારણે ઉદભવ્યું છે, જ્યાં વિરોધીઓનો આરોપ છે કે 7,184 એકરથી વધુ સંરક્ષિત જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. ગુવાહાટી હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસોને કારણે આ મામલો વધુ જટિલ બન્યો છે, જેણે અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
10. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
આ પણ વાંચો : Maharashtra Politics: ઠાકરે બ્રધર્સ આવશે સાથે, આજે કરશે ગઠબંધનની જાહેરાત


