ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા હજુ પણ યથાવત છે. હિંસા વચ્ચે વચગાળાની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. વચગાળાના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વ વાળા ગૃહ મંત્રાલયના વિશેષ સહાયક ખુદાબખ્શ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધુ છે.
આ દરમિયાન બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રીના પુત્ર તારિક રહમાન બાંગ્લાદેશ પરત ફર્યા છે. તારિક રહેમાનની વાપસી પહેલાં બુધવાર (24 ડિસેમ્બર)ના રોજ રાજધાની ઢાકામાં એક ચર્ચ નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું. આ ઘટનાએ રાજધાનીમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે. નોંધનીય છે કે વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની મોત બાદથી બાંગ્લાદેશમાં હિંસા વધી ગઈ છે. ભીડે દેશના બે મુખ્ય અખબારો ડેલી સ્ટાર અને પ્રથમ આલોની કચેરીઓને પણ આગ ચાંપી દીધી.
પોતાના દેશ પરત ફર્યા તારિક રહેમાન
બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના પુત્ર તારિક રહમાન આજે 17 વર્ષ બાદ પોતાના દેશ પરત ફર્યા છે. એરપોર્ટ નજીક તેમના સ્વાગત માટે તેમની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અંદાજે 1 લાખ કાર્યકરો એકત્ર થયા હતા. નોંધનીય છે કે ધરપકડથી બચવા માટે રહમાન 2008માં લંડન ભાગી ગયા હતા. તે સમયે હસીના સરકાર દરમિયાન તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા હતા
તારિક રહમાન આગામી વડાપ્રધાન પદના દાવેદાર
યુનુસ સરકારે શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. આવી સ્થિતિમાં BNPના ચૂંટણી જીતવાની મોટી સંભાવનાઓ માનવામાં આવી રહી છે. BNPની અધ્યક્ષ ખાલિદા જિયાની ઉંમર 80 વર્ષ થઈ ચૂકી છે અને તેમની તબિયત પણ ઘણી નાજુક છે. માનવામાં આવે છે કે તારિક રહમાન આગામી વડાપ્રધાન પદના દાવેદાર બની શકે છે.
બાંગ્લાદેશમાં ચૂંટણી ક્યારે થશે
બાંગ્લાદેશમાં આ હિંસાએવા સમયમાં થઈ રહી છે, જ્યારે દેશની રાષ્ટ્રીય ચૂંટણીમાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જુલાઈ 2024માં શેખ હસીના સરકારના પતન બાદ યોજાનારી આ પહેલી રાષ્ટ્રીય ચૂંટણી હશે. ખુદાબખ્શ ચૌધરીનું રાજીનામું યુનુસની અંતરિમ સરકારમાંથી થયેલું ચોથું મોટું રાજીનામું છે.


