યુવતીએ મિત્રતા કેળવી વોટસએપ નંબરની આપલે કરી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી ફસાવ્યા, ડોલરમાં રકમ દેખાડી રૂપિયા ઉસેડી લીધા
હાલના સોશિયલ મિડિયાના સમયમાં સાવચેત રહેવું જરૂરી છે, નહિતર લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. ત્યારે ફેસબુકમાં આવેલી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી રાજકોટના કારખાનેદારને રૂ.40.78 લાખમાં પડી હોવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ હતી.
એગ્રો ટેક્નોલોજીના માલિકને વોટ્સએપ નંબર આપી યુવતીએ વાત શરૂ કરી બાદમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહીં ફસાવી કારખાનેદારે જમા કરેલ રૂ.40.78 લાખના વોલેટમાં ડોલરમાં રકમ દેખાડી વિશ્વાસમાં લીધાં હતાં.
જે બાદ રૂપીયા વિડ્રો કરવા જતાં અલગ અલગ ચાર્જ માંગતા ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. બનાવ અંગે રાજકોટના ગોલીડા (હડમતીયા)માં રહેતા ભાવેશભાઈ ધિરજલાલ આટકોટીયા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વોટ્સએપ નં.8714749972, 7019582192ના ધારકનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કુવાડવા જીઆઇડીસી ખાતે આટકોટીયા એગ્રો ટેક્નોલોજી નામે કંપની ચલાવી એગ્રીકલ્ચર પેસ્ટિસાઈડ દવાઓ બનાવવાનો તથા વેચાણનો વ્યવસાય છે. તા.01/10/2025 ના તેઓ કંપની પર હતાં ત્યારે તેમના ફેસબુક એકાઉન્ટ પર શ્રીષ્ટી કી નામની મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે તેઓએ સ્વીકારેલી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. તેણે પોતાનો વોટ્સએપ નં. 87147 49972 આપ્યો, જેમાં બંને વચ્ચે નિયમિત વાતચીત થતી હતી.
તા.15/10 ના તેણીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓએ શરૂઆતમાં ના પાડી હતી. થોડા દિવસ બાદ ફરી તેણે https://dex-trade.site નામની વેબસાઈટમાં રોકાણ કરવા જણાવ્યું હતું. તેના કહેવા મુજબ આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું.
બાદ તેણીએ મને બલબીર સિંઘ નામના વ્યક્તિનો વોટ્સએપ નં. 70195 82192 આપ્યો અને જણાવ્યું કે, તે વ્યક્તિ ટ્રેડિંગ કરાવનાર છે તથા ટ્રેડ કંપનીનો કર્મચારી છે. બલબીર સિંઘે તેઓને વે ઓફ સક્સેસ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો,
જેમાં ટ્રેડિંગ માટે ટીપ્સ આપવામાં આવતી હતી. બાદ તેઓના જણાવ્યા મુજબ ફરીયાદીએ વેબસાઈટ પર ટ્રેડિંગ કરી ક્રિપ્ટો ખરીદવા માટે સામે વાળાએ જણાવેલ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.40,78,042 જમા કરાવ્યા હતા.
બાદમાં તેઓ હવે વે ઓફ સક્સેસ ગ્રૂપમાં આપેલી ટ્રેડિંગ ટીપ્સ મુજબ ટ્રેડિંગ કરતાં હતાં. વેબસાઈટ 52 દર્શાવેલી વોલેટ બેલેન્સ 137,174 ડોલર બતાવતી હતી. પરંતુ જ્યારે આ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રકમ ઉપાડવા દેવામાં આવી ન હતી.
વિવિધ ચાર્જ, ટેક્સ, વેરિફિકેશન ફી વગેરેના બહાના કરી વધુ રકમ જમા કરાવવાની માગણી કરવામાં આવી હતી. જેથી છેતરપિંડી થયાની ખાતરી થતા સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.


