ટ્રસ્ટની કોરકમિટીની બેઠકમાં ચેરમેન નરેશભાઇ પટેલની જાહેરાત : વર્તમાનમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેકટની સમીક્ષા અને આગામી આયોજનની ચર્ચા કરાઇ : અમદાવાદમાં સંકુલ, SOUમાં ભવન બનાવવા પણ વિચારણા
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ બે જગ્યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની જેમ જ દક્ષિણ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.
કોર કમિટીની બેઠક બાદ ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી મંડળની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયના પ્રકલ્પોની પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ કરીને સમાજને અર્પણ કરવામાં આવશે. સાથે સાથે આવતા દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં એક શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું પણ આયોજન છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરવામાં આવશે.


