7થી 30 ટકા વળતરનું વચન આપી રકમ પડાવી, પરત માંગતા જ્ઞાતિ પ્રત્યે અપમાન અને જાનથી મારી નાખવાની ધમકી; પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ
રાજકોટ શહેરમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. વધુ નફાની લાલચમાં આવીને એક યુવાને રૂ.13.71 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્રિપ્ટો કરન્સીમાં માત્ર થોડા કલાકોમાં 7થી 30 ટકા સુધી વળતર મળશે એવું કહી આરોપીઓએ રકમ પડાવી લીધી હતી. જ્યારે પીડિત યુવાને પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે તેને ગાળો આપી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અંતે કંટાળીને યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, રાજકોટના રહેવાસી અને ટુરિઝમના વ્યવસાય સાથે સંકળાયેલા મોહનભાઈ લક્ષ્મણભાઈ ચાંડપા એક મહિના અગાઉ પોતાના મિત્ર અભિષેક ભોજાણી મારફતે હર્ષદીપ ખાચર નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. હર્ષદીપે તેમને જણાવ્યું હતું કે તેની પાસે ક્રિપ્ટો કરન્સીનું એવું બિઝનેસ મોડલ છે, જેમાં ટૂંકા ગાળામાં 7થી 30 ટકા સુધી નફો મળી શકે. આ વાતો કરી તેણે મોહનભાઈને મોટા નફાની લાલચ આપી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.2-12-2025ના રોજ હર્ષદીપ ખાચરે યાજ્ઞિક રોડ પર આવેલી પી.એમ. આંગડીયા પેઢી પાસે બોલાવ્યા હતા. ત્યાં હર્ષદીપે પોતાના મોબાઈલ પરથી ભાવનગરમાં રહેતા જયવીર નામના શખ્સ સાથે વાત કરાવી હતી. જયવીરે ફોન પર જણાવ્યું હતું કે USDT ક્રિપ્ટો કરન્સીના આજના ભાવ મુજબ 15,000 USDT ખરીદવા માટે રૂ.13,71,000 જમા કરાવશો તો સાંજે 6 વાગ્યા સુધીમાં મૂળ રકમ સાથે નફો પરત આપી દેવાશે અથવા સીધા એકાઉન્ટમાં 15,000 USDT ટ્રાન્સફર કરી દેવાશે.
આ વાતોમાં આવીને મોહનભાઈએ હર્ષદીપ ખાચરના કહેવાથી યાજ્ઞિક રોડ ઉપર આવેલી પી.એમ. આંગડીયા પેઢી મારફતે હાર્દિકભાઈના નામે રૂ.13,71,000 સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. આરોપીઓએ ખાતરી આપી હતી કે સાંજ સુધીમાં તમામ રૂપિયા પરત મળી જશે.
પરંતુ સાંજના 6 વાગ્યા વીતી જવા છતાં કોઈ રકમ પરત ન મળતા મોહનભાઈએ હર્ષદીપને પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેઓ રૈયા ચોકડી વિસ્તારમાં આંગડીયામાં રૂપિયા આવશે તેમ કહી ગાત્રાળ હોટેલ પાસે રોકાયા હતા. આ દરમિયાન એક કારમાં ઉકાભાઈ નામનો શખ્સ ત્યાં આવ્યો અને હર્ષદીપ સાથે મળી મોહનભાઈને કહ્યું કે, “તમારા રૂપિયા ભૂલી જજો, રૂપિયા પાછા આપવાના થતા નથી.” જ્યારે પીડિતે વિરોધ કર્યો ત્યારે બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા.
આ ઘટના બાદ પણ આરોપીઓએ કોઈ રકમ પરત ન આપતા મોહનભાઈએ અંતે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી હર્ષદીપ ખાચર, જયવીર અને ઉકાભાઈ સામે BNSની કલમ 318(4), 351(2), 352 તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે ટૂંકા ગાળામાં મોટો નફો આપવાની લાલચ ઘણી વખત છેતરપિંડીમાં ફેરવાઈ જાય છે. પોલીસએ નાગરિકોને આવા પ્રલોભનોથી સાવચેત રહેવા અને રોકાણ કરતાં પહેલા પૂરતી તપાસ કરવાની અપીલ કરી છે.


