મચ્છરોની ઉત્પતિને પ્રોત્સાહન આપનાર ૧3૭ આસામીઓને નોટીસ ફટકારી : ૭૧૯ લોકોના કલોટીન ટેસ્ટ કરતુ આરોગ્ય વિભાગ
રાજકોટમાં મિશ્રઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેની અસર શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. એક જ અઠવાડીયામાં તાવ, શરદી અને ઝાડા ઉલ્ટીના ૧૭૦૦થી વધારે કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં ડેંગ્યુનો એક, શરદી, ઉધરસના ૯૨૯, સામાન્ય તાવના ૬33, ઝાડા ઉલ્ટીના ૧3૮ અને ટાઇફોડનો એક કેસ નોંધાયો છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૨/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૧૨/૨૦૨૫ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૨,૭૮૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૫૧૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૬૩ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૨૪ અને કોર્મશીયલ ૧૩ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.


