ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી સહિતનાની ઉપસ્થિતિ
ગુંજન પાર્કના તેજસ્વી વિદ્યાર્થીઓની ગુણ વંદના અને 70 વર્ષથી મોટી વયના વડીલ ભાઈ – બહેનોની વય વંદના કરવાનો એક કાર્યક્રમ ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને ગાયત્રી શક્તિપીઠ વાંકાનેરના અધ્યક્ષ અશ્વિનભાઈ રાવલની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
ગુંજન પાર્કના સ્થાપક પ્રમુખ વી.ડી.વઘાસિયાએ સર્વે મહેમાનોનું સ્વાગત કરી, વિગતે પરિચય આપ્યો હતો. અંજલીબહેને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે વય વંદનાનો કાર્યક્રમ મને ખૂબ જ ગમ્યો. એક બાજુ આજે જ્યારે વડીલોની અવહેલના થઈ રહી છે અને વડીલો ઓરમાયું જીવન જીવે છે અથવા તો વૃદ્ધાશ્રમમાં ધકેલવામાં આવે છે, ત્યારે આવા કાર્યક્રમો સમાજ માટે આંખ ઉઘાડનારા છે. આવા કાર્યક્રમો દરેક જગ્યાએ થવા જોઈએ. જેને પણ આવો સુંદર વિચાર આવ્યો હોય તેમને હું અભિનંદન પાઠવું છું.
નર્સરીથી માંડીને બાર ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી ગુણ વંદના કરવામાં આવી હતી. વિશેષમાં વિવિધ ક્ષત્રે સેવા પ્રવૃત્તિ કરતા એનજીઓના અભિવાદન અંતર્ગત ચમત્કારિક હનુમાનજી મંદિરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભગત અને વિવિધ પ્રકલ્પો દ્વારા, વિવિધ ક્ષેત્રે પ્રવૃત્તિ કરાવતા ટ્રસ્ટ આર્યા એજ્યુકેશન ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ.ભાવના કક્કડનું અદકેરું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વૉર્ડ નંબર દસના કોર્પોરેટરો ચેતનભાઈ સુરેજા, જ્યોત્સનાબેન ટીલારા, નિરૂભા વાઘેલા, પૂર્વ કોર્પોરેટ પરેશભાઈ હુંબલ, પુષ્કરધામના પૂર્વ પ્રમુખ, અશોકસિંહ જાડેજા, ભાગવતાચાર્ય ડૉ.કવિતાબેન ઠાકર વગેરેએ હાજરી આપી હતી. ગુંજન પાર્કના પ્રમુખ સ્પૃહાબેન પટેલ, મંત્રી અતુલભાઈ મણવર અને ધર્મેશભાઈ શુક્લના માર્ગદર્શનથી કાર્યક્રમને સફળ બનાવવા કારોબારીએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ.સ્વાતિબેન જોશી – ભટ્ટએ કર્યું હતું. આભાર દર્શન પ્રમુખ સ્પૃહાબેન પટેલએ કર્યું હતું.


