ISS, અંતરિક્ષ યાત્રિઓ અને હેમ રેડિયો વિશે રસપ્રદ માહિતી અપાઇ
વિજ્ઞાન અને અંતરિક્ષ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવતો એક ઐતિહાસિક કાર્યક્રમ ગુજરાતના પ્રાંસલા ગામે યોજાયો. વેદિક મિશન ટ્રસ્ટ આયોજિત રાષ્ટ્રીય કથા શિબિર દરમિયાન AMSAT-INDIA ના રિજનલ કો-ઓર્ડિનેટર તથા અનુભવી એમેચ્યોર સેટેલાઇટ ઓપરેટર રાજેશ વાગડિયા દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે લાઈવ સેટેલાઇટ કોમ્યુનિકેશનનું સફળ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ વિશેષ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન AMSAT-INDIA અને UPARC (ISRO) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં શ્રી વેદિક મિશન ટ્રસ્ટનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો. સવારે ૮:૦૦ વાગ્યાથી જ ૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિસ્ત અને ઉત્સાહ સાથે એકત્રિત થયા હતા.
કાર્યક્રમ દરમિયાન રાજેશ વાગડિયા VU2EXP એ વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ ભાષામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) શું છે, તેનું મહત્વ શું છે, અવકાશ યાત્રીઓ ત્યાં કેવી રીતે રહે છે,ARISS કાર્યક્રમ, ISS પર કાર્યરત એમેચ્યોર રેડિયો ક્રોસ-બેન્ડ રિપિટર અને ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રિ સુનિતા વિલિયમ્સ તથા શુભાંશુ શુક્લા વિશે માહિતગાર કર્યા હતાં. સાથે સાથે વિદ્યાર્થીઓને હેમ રેડિયો, સેટેલાઇટ સંચાર પ્રણાલી, ફ્રીક્વન્સી, અપલિંક-ડાઉનલિંક, ડોપ્લર ઇફેક્ટ જેવા ખ્યાલો સરળ ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યા. આ તમામ માહિતી વિદ્યાર્થીઓ માટે નવી અને અત્યંત રોમાંચક હતી.
૨૯ ડિસેમ્બરની સવારે ૮:૪૭ વાગ્યે ISS પ્રાંસલા-ગુજરાત ઉપરથી પસાર થતું હતું, ત્યારે સેટેલાઇટ નિષ્ણાત શ્રી રાજેશ વાગડિયા VU2EXP એ પોતાના પોર્ટેબલ સેટેલાઈટ ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા ISS ના એમેચ્યોર રેડિયો રિપિટર પર CQ કોલ આપ્યા.થોડા જ સમયમાં ડો.કિશોર (મહારાષ્ટ્ર) તરફથી સિગ્નલ સ્વરૂપે પ્રતિસાદ મળતા જ સમગ્ર મેદાન ઉત્સાહ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું. PA ઓડિયો સિસ્ટમ દ્વારા ISS પરથી આવતો અવાજ તમામ વિદ્યાર્થીઓ જીવંત રીતે સાંભળી શકતા, જે તેમના માટે પ્રથમ અનુભવ હતો. ત્યારબાદ રાજેશનો અશોકભાઈ (સુરત) સાથે 59 રિપોર્ટ સાથે સફળ સંપર્ક થયો અને અંતમાં અમર (હૈદરાબાદ) સાથે પણ સંપર્ક થયો. આ રીતે ISS સેટેલાઈટ ના માધ્યમથી ત્રણ સંપર્ક સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતાં.
ઐતિહાસિક આયોજનના સહયોગી
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે UPARC (ISRO) ના પ્રમુખ બાલાજી VU2JEL અને શ્રી અમિત VU34AK, AMSAT-INDIA ના સેક્રેટરી શ્રી નિતિન VU2JEK, તેમજ વેદિક મિશન ટ્રસ્ટના આચાર્ય શ્રી ધર્મબંધુજી સ્વામી તરફથી ઉત્તમ સહકાર અને માર્ગદર્શન મળ્યું હતું.


