રીજનલ કોન્ફરન્સની આખરી તૈયારીઓ વચ્ચે સુત્રોમાં થતી મહત્વપૂર્ણ ચર્ચા
રાજકોટમાં વડાપ્રધાનનો રોડ-શો રદ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પ્રભારીમંત્રી જીતુ વાઘાણી રાજકોટમાં : કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સમિટની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી
રવિવારે મારવાડીમાં બપોરે પ્રધાનમંત્રી વાઇબ્રન્ટનું ઉદઘાટન કરશે : ઉદ્યોગપતિઓ સાથે કરશે વાર્તાલાપ
રિવર્સ બાયર સેલર મિટ, સાંસ્કૃતિક, કલા પ્રદર્શન, દૈનિક લક્કી ડ્રો, પોપઅપ સ્ટેજ, ઉધમી મેળા સહિતના કાર્યક્રમો યોજાશે
બે દિવસમાં રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શકિત ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો અને સમાપન પત્ર સહિતના કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આગામી તા.૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરનસ અંતર્ગત તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાત લીધી હતી અને કલેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જો કે વડાપ્રધાન દ્વારા રાજકોટમાં રોડ-શોની તૈયારી ચાલતી હતી પરંતુ અંગત સુત્રોમાં થતી ચર્ચા મુજબ વડાપ્રધાનનો રોડ-શો રદ કરવામાં આવ્યો છે.
જો કે નાયબ મુખ્યમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીએ પણ કહ્યું હતું કે વડાપ્રધાન સૌથી વધારે સમય રિઝીયોનલને આપવાના છે. વધારે સમય ઉદ્યોગપતિઓ અને વિદેશી ડેલીગેશન સાથે પસાર કરવાનો છે. જો કે રોડ-શો અંગે આગામી દિવસોમાં જાહેર થશે.
આગામી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬નના રોજ રાજકોટ શહેરનના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઇ રહ્યો છે. શહેરમાં પહેલીવાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ભવ્ય ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી અને રાજયના ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રવિવારે બપોરે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું સત્તાવાર ઉદઘાટન કરશે. મારવાડી યુનિવર્સિટી પહોંચ્યા બાદ વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત ૬ વિશાળ ડોમમાં તૈયાર કરાયેલ એકિઝબિશનનું ઉદઘાટન કરશે.
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ મહત્વના કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે વિવિધ રાષ્ટ્રના રાજદૂતો, ઉપરાંત પાંચ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, દેશ-વિદેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ હાજરી આપવાના છે.
મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે વીજીઆરસી કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પરિષદ દ્વારા રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો, એમએસએમઇએસ, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ ક્ષેત્રોના સહભાગીઓને એક સાથે જોડવામાં આવશે.
રીજન એસ્પિરેશન એન્ડ ગ્લોબ એમ્બિશન્સ અંતર્ગત બે દિવસીય આ કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન ઉદઘાટન સમારંભ, એમએસઇ કોન્કેવ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (વીડીપી), વિવિધ વિષયક સેમિનારો, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શકિત ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો તેમજ સમાપન સત્ર સહિતના કાર્યક્રમો યોજાશે. ઊર્જા, હરિત વિકાસ, બ્લુ ઇકોનોમી, સિરામીક ઓટો અને પ્રિસિઝન એન્જિનિયરીંગ, કૃષિ અને બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, ડેટા સેન્ટર, ડિફેન્સ, ટેકસટાઇલ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રહેલી તકો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એકિઝબિશન તારીખ ૧૧ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધી શહેરીજનો નિહાળી શકશે. જેમાં ખાસ કરીને રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટીઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, દૈનિક લક્કી ડ્રો, પોપ અપ સ્ટેજ, ઉદ્યમી મેળો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે વીજીઆરસી રાજય સરકારની વિકાસ પણ વિરાસત પણ અને આત્મનિર્ભર ગુજરાતની ભાવનાને આગળ ધપાવતું આયોજન છે જે કચ્છ અને સૌરાષ્ટ્રને વિકાસના નવા શિખરો પર લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પત્રકાર પરિષદમાં રાજય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધીત વિભાગોનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ઉદ્યોગોના હિત માટે રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, અગાઉ રોજ ૨૨૫ જેટલા ઉદ્યોગકારોને સબસીડી અપાતી, હવે રોજ ૪૫૦ સબસીડી મંજૂર કરાય છે અને આગામી દિવસોમાં રોજની ૭૦૦ સબસીડીની મંજૂરી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.
આ તકે તેમણે કહ્યું હતું કે, દેશમાં પહેલીવાર ખૂબ જ ટૂંકા સમયમાં રાજ્યમાં ૧૬થી વધુ જી.આઈ.ડી.સી. માટે જગ્યાની ઓળખ કરીને તેને ફાળવવાની કામગીરી મહેસૂલ વિભાગે કરી છે, જે પ્રશંસનીય છે. આ બેઠકનો ધ્યેય સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગકારોને તેમના પ્રશ્નો કે રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ના પડે, તેમના નાના મોટા પ્રશ્નોનો તત્કાલ નિકાલ કરી શકાય તે માટે સરકાર વિવિધ વિભાગો સાથે તમારે દ્વાર આવી છે. ઉદ્યોગકારો રાજ્યના લાખો યુવાનોને રોજગારી આપીને તેમના સપના સાકાર કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર એક સહયોગી તરીકે તમારી પડખે ઊભી છે, એવો વિશ્વાસ તેમણે ઉદ્યોગકારોને અપાવ્યો હતો.
આ તકે તેમણે રાજ્યની ઔદ્યોગિક નીતિ હેઠળ આજે ૧૦,૪૩૫ ઉદ્યોગ સાહસિકોને રૂપિયા ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ તેમજ ઉદ્યોગ વિભાગની ટેક્સટાઇલ, ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ, ઔદ્યોગિક માળખા વગેરે જેવી વિવિધ યોજના હેઠળ ૧૩૭ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૬૬૧ કરોડના મંજૂરીપત્રોનું વિતરણ કરવાની જાહેરાત પણ કરી હતી.
આ તકે રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ એ રાજ્યનો અત્યંત મહત્વનો ઔદ્યોગિક ગઢ છે. સ્થાનિક ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓ ઉદ્યોગ જગતના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ સતત જાગૃત રહી રજૂઆતો કરતા રહે છે, જે રાજકોટની વિકાસયાત્રાને વેગ આપી રહી છે. મંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, આ કદાચ પ્રથમ એવી ઘટના છે જ્યારે આખું ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, તેના ઉચ્ચ સચિવો અને તમામ વરિષ્ઠ અધિકારીગણ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજકોટના ઉદ્યોગપતિઓના પ્રશ્નોને રૂબરૂ સાંભળવા અને સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે ઉપસ્થિત રહ્યા છે. જે સરકારની ઉદ્યોગો પ્રત્યેની સંવેદનશીલતા અને સકારાત્મક અભિગમ દર્શાવે છે.
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, ભાનુબેન બાબરીયા, ડૉ. દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિ, ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપ, રેન્જ આઈ.જી. અશોક યાદવ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, જિઓલોજી અને માઈનિંગ કમિશનર, જીઆઈડીસીના એમ.ડી. પ્રવિણા ડી.કે. , સેટલમેન્ટ કમિશનર બિજલ શાહ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જી.પી.સી.બી. કમિશનર, ઈન્ડેક્સબી એમ.ડી. કે.સી. સંપટ, જિલ્લા કલેકટર ડૉ. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના અગ્રગણ્ય ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૬3૬૪ ઉદ્યોગકારોનું રજીસ્ટ્રેશન કરાયું
PM મોદી 11મી જાન્યુઆરીએ બપોરે રાજકોટ આવશે મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે, જેની રીવ્યુ બેઠક તાજેતરમાં જ રાજકોટના પ્રભારી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તેમણે જાહેર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જુના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઓટો મોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે.
૨૦થી વધુ હોલમાં વિવિધ સેમિનાર યોજાશે
20થી વધુ હોલમાં દરરોજ અલગ-અલગ સેમિનાર આ ઉપરાંત 4500 ચોરસ મીટરમાં પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં MSME, કુટિર અને હસ્તકલા ઉદ્યોગના ઉદ્યોગકારો હશે. જેમાં મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ડેઇલી લક્કી ડ્રો, કારીગરો દ્વારા થતું ઉત્પાદન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને GI ટેગ ડિસ્પ્લે રહેશે. જેમાં અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓ પણ ચાર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે. અહીં 4000થી વધુ ઉદ્યમીઓ હશે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ ક્ષેત્રના સેમિનાર યોજવામાં આવશે.
જિલ્લો MOUની સંખ્યા રકમ (કરોડમાં)
કચ્છ 33૪ ૮૫૦૦
દેવભૂમિ દ્વારકા ૨3 ૭૧૪૬
જામનગર ૯ ૫૭૧૬
મોરબી ૫૦ ૨૪૭૦
ભાવનગર ૨૪૮ ૧૭3૧.૪૧
અમરેલી 3૧ ૯૦૮
સુરેન્દ્રનગર 3૦ ૮3૪
જૂનાગઢ ૪૦ 3૫૦(અંદાજીત)
બોટાદ ૧૧ 3૦૦.૬૦
ગીર સોમનાથ ૧૨૦ ૨૭૧
પોરબંદર ૨ ૬૦
—- —– —–
૧૧ ૮૯૬ ૨૮,૨૮૭.૦૧
બોકસ…
તંત્ર દ્વારા દબાણો દૂર કરાવાયા
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનનો રોડ-શો રદ કરવામાં આવ્યો છે. પરંતુ અગાઉ રોડ-શોને લઇને તંત્ર દ્વારા રૂટ પર આવતા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં હિરાસર એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીમાં વચ્ચે આવતા ૨૦૦૦૦થી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે અને કેટલાકને જાતે હટાવી લેવા સુચના આપવામાં આવી છે.


