રાજકોટની આજી નદી પરના બેઠા પુલના સમારકામ બાબતે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપના નેતાઓને ભર્યો બરોબરનો ચિંટિયો
તમારામાં ત્રેવડ ન હોય તો રાજશાહી વખતનો પુલ અમે રિપેર કરી નાંખીએ!
‘વાઇબ્રન્ટ ધુમાડા’ની સાથોસાથ જનતાની પીડાને લગતી સમસ્યા પણ દૂર કરો : રણજીત મુંકવા, હરેશ ભારાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સ્માર્ટ સિટી અને વિકાસની ગુલબાંગો વચ્ચે પ્રાથમિક સુવિધાઓના ધાંધિયા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી પર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલો ઐતિહાસિક બેઠો પૂલ આજે તંત્રની ઉદાસીનતાને કારણે બિસ્માર બાજયો છે. આ પૂલ લાંબા સમયથી બિસમાર હોવાને કારણે હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ગંભીર મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના આગેવાનો રણજીત મૂંધવા અને હરેશ ભરાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પૂલનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે, તો તેઓ લોકહિતમાં સ્વખર્ચે આ પૂલનું સમારકામ કરાવશે.
રાજકોટની શાન ગણાતી આજી નદી પર ખત્રીવાડથી બેડીપરા તરફ જવા માટે વર્ષો પહેલા રાજાશાહી શાસન દરમિયાન આ બેઠા પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પૂલ માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતી એક મહત્વની કડી છે. ખાસ કરીને બેડીપરા, રામનાથપરા અને આસપાસના ગીચ વિસ્તારોમાં રહેતા હજારો લોકો માટે આ પૂલ જીવાદોરી સમાન છે. જોકે, છેલ્લા ઘણા સમયથી રાજકોટ મનપા દ્વારા આ ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે.
આ પૂલ બંધ થતાની સાથે જ તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા પણ હટાવી લેવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીનો લાભ લઈ સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા આ પૂલ પર અને નદીના પટમાં મોટા પાયે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આજે આ પૂલ જાણે ‘કચરાનું ઘર’ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના ગંજ ખડકાવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી ગયો છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઇ છે. સ્થાનિકોની માંગ છે કે આ પૂલને માત્ર રીપેર જ નહીં, પરંતુ તેને ઊંચો કરી રેલિંગ સાથે નવો બનાવવામાં આવે જેથી ચોમાસામાં પણ તે કાર્યરત રહી શકે.
કોંગ્રેસના આગેવાન રણજીત મૂંધવાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો મનપાના સત્તાધીશો અને જાડી ચામડીના અધિકારીઓ આ તૂટેલા પૂલને નહીં જુએ અને તાત્કાલિક નવીનીકરણની પ્રક્રિયા હાથ નહીં ધરે, તો તેઓ જનતાના સહયોગથી સ્વખર્ચે રીપેરીંગ કામ શરૂ કરી દેશે. હાલમાં તો આ ઐતિહાસિક પૂલ તંત્રના ‘સ્માર્ટ’ દાવાઓ વચ્ચે રઝળી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી સમયે કોંગ્રેસની આ ચેતવણી બાદ તંત્ર કુંભકર્ણ નિદ્રામાંથી જાગે છે કે કેમ? તે જોવું રહ્યું.
શાસક પક્ષના નેતાઓમાં ‘પ્રસિદ્ધિ ભૂખ‘: રણજીત મુંધવા
આ મુદ્દે કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવાએ આક્ષેપ કર્યો છે કે, વોર્ડ નંબર 6 અને 7 ને જોડતો આ પૂલ લોકો માટે આશીર્વાદરૂપ હતો, પરંતુ શાસક પક્ષના નેતાઓની ‘પ્રસિદ્ધિ ભૂખ’ ને કારણે જનતા પીસાઈ રહી છે. અગાઉ જ્યારે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન અને સ્થાનિક કોર્પોરેટરોએ ઉતાવળે માત્ર કોંક્રિટ પથરાવીને પૂલ ચાલુ કરી દીધો હતો. આ કામચલાઉ સમારકામ માંડ 2 મહિના પણ ચાલ્યું નથી. અને હાલ આ બ્રીજ ફરી જર્જરિત બન્યો છે.
રૂ.15 લાખના ખર્ચ બાદ પણ સમસ્યા યથાવત
અગાઉ આ પૂલના રિપેરિંગ પાછળ જનતાના ટેક્સના રૂ.15 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીને કારણે પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. જો તે સમયે યોગ્ય આયોજન સાથે 300ના બદલે 900 સેમી સાઈઝનાં પાઇપ નાખવામાં આવ્યા હોત, તો કદાચ આજે આ સ્થિતિ સર્જાત નહીં. હવે આગેવાનોની માગ છે કે અહીં 1500 સેમીનાં મોટા પાઇપ નાખીને મજબૂત કોઝવે બનાવવો જોઈએ.
વેપારીઓ અને વિદ્યાર્થીઓની સૌથી વધુ હાલાકી
રાજકોટ જ્યારે ‘વાઈબ્રન્ટ સમિટ’ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું યજમાન બની રહ્યું હોય, ત્યારે શહેરની અંદરનો આવો ભાંગેલો-તૂટેલો વિકાસ તંત્રની પોલ ખોલે છે. સોની બજાર, બંગડી બજાર અને ધર્મેન્દ્ર રોડ જેવા મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં જવા માટે ઈમિટેશન બજારના વેપારીઓને આ પૂલ બિસમાર હોવાથી જીવના જોખમે પસાર થવું પડે છે. અથવા 2 કિમી લાંબો ફેરો કરવો પડે છે. આ ઉપરાંત, સામા કાંઠેથી શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


