પડવલામાં ભાજપ જિલ્લા પંચાયત સભ્યના ઘરે ટોકન પર ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી
ભાયાવદર પોલીસે બે શખસોને પકડ્યા, બે ફરારઃ મોબાઇલ–રોકડ સહિત રૂ.1.23 લાખનો મુદામાલ કબ્જે
અગ્ર ગુજરાત, રાજકોટ
પડવલા ગામમાં ટોકન આધારિત જુગારધામ ચલાવાતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાયાવદર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. આ દરોડામાં આગેવાન સહિત બે શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે બે શખસો પોલીસને ચકમો આપી નાસી ગયા હતા. સ્થળ પરથી મોબાઇલ ફોન, રોકડ અને જુગારના ટોકન સહિત કુલ રૂ.1,23,210નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર અને ધોરાજી એએસપી સીમરન ભારદ્રાજ દ્વારા દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.સી. પરમાર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
પોલીસને મળેલી બાતમી મુજબ પડવલા ગામમાં ઉપલેટા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સભ્ય જેન્તી ઉર્ફે જેનો મોહનભાઈ બરોચીયાના ઘરે જુગાર રમાતો હતો. બાતમીને આધારે દરોડો પાડતાં મકાન માલિક જેન્તી ઉર્ફે જેનો મોહનભાઈ બરોચીયા (રહે. પડવલા ગામ) અને હિતેશ મનસુખભાઈ જોશી (રહે. જામજોધપુર)ને રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે કાસમ સુલેમાન ઘુઘા (ભાણવડ) અને હરસુખ કાનાભાઈ મહિડા (ખીરસરા-ઘેટિયા) ફરાર થઈ ગયા હતા.
પોલીસે સ્થળ પરથી મોબાઇલ ફોન, રોકડ રકમ તથા જુગાર રમવાના ટોકન કબ્જે કરી પકડાયેલા આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પીઆઈ વી.સી. પરમારની રાહબરીમાં એએસઆઈ વિરમભાઈ વાણવી સહિત પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


