હજારો બાળકો-વાલીઓના ચહેરા ઉપરનું સ્મિત JDFની સાચી મૂડી છે : નમ્રમુનિ મહારાજ
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન અને અપુલ દોશીના સેવા કાર્યને બિરદાવતા સંતો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના આંગણે માનવતા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. છેલ્લા 22 વર્ષોથી ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે મસીહા બનીને કાર્યરત ‘જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ દ્વારા કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સભાગૃહમાં એક વિશેષ ‘મોટિવેશનલ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના પરિવારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત સંતો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્ય પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ઉપસ્થિત જનમેદનીને અત્યંત માર્મિક અને પ્રેરણાદાયી ધર્મસંદેશ આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંત પૂજ્ય પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે JDF ના સેવાકાર્યને બિરદાવતા એક અત્યંત ગહન વાત કહી હતી કે, “અપુલભાઈ, આ હજારો બાળકો અને તેમના ચિંતાતુર માતા-પિતાના ચહેરા પર જે હાસ્ય અને નિરાંત જોવા મળે છે, એ જ તમારી સાચી મૂડી છે.” તેમણે આ વિષયને વિસ્તૃત કરતા સમજાવ્યું હતું કે: દુનિયામાં સંપત્તિ તો ઘણા લોકો ભેગી કરે છે, પરંતુ જે સંપત્તિ કોઈના આંસુ લૂછીને તેના ચહેરા પર સ્મિત લાવી શકે, તે જ ઈશ્વરના દરબારમાં સાચી મૂડી ગણાય છે. JDF દ્વારા જે બાળકોને નવું જીવન અને નવી આશા મળી છે, તેમની ‘હંસી’ (હાસ્ય) એ સંસ્થાના આશીર્વાદ સમાન છે.
અપૂર્વમુનિ સ્વામીએ “જીવનની પાનખરમાં પણ સેવાની વસંત ખિલાવી શકે” તેમણે અપુલભાઈ દોશીના સમર્પણને બિરદાવતા આ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. સામાન્ય રીતે માણસ જ્યારે પોતે દુઃખી થાય ત્યારે તે માત્ર પોતાના દુઃખમાં ડૂબેલો રહે છે, પરંતુ અપુલભાઈએ જ્યારે પોતાના પુત્રને ટાઈપ-1 ડાયાબિટીસ જેવી ગંભીર સ્થિતિમાં જોયો, ત્યારે તેમણે પોતાની વ્યક્તિગત વેદનાને સીમિત ન રાખતા તેને વિશ્વ માટે ‘સંવેદના’ બનાવી દીધી. એક પિતાની આંખના આંસુ આજે હજારો બાળકો માટે આશાનું કિરણ બની JDF ના વટવૃક્ષ રૂપે ફેલાયા છે.
સ્વામીજીએ આજની યુવા પેઢીની જીવનશૈલી પર કટાક્ષ કરતા ગંભીર ટકોર કરી હતી કે, “આજે યુવાનો દેખાદેખી અને સ્ટેટસ સિમ્બોલ પાછળ અંધાધૂંધ ખર્ચ કરે છે. બ્રાન્ડેડ કપડાં, મોંઘા મોબાઈલ અને લક્ઝરી પાછળ લાખો રૂપિયા ખર્ચતી વખતે કોઈ વિચારતું નથી, પરંતુ જ્યારે કોઈ લાચાર કે બીમાર વ્યક્તિને મદદ કરવાની વાત આવે ત્યારે ‘આર્થિક મંદી’ના બહાના કાઢવામાં આવે છે.”
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ ભાવુક હૈયે સંસ્થાની સફર વિશે વાત કરતા જણાવ્યું કે, “આજથી 22 વર્ષ પહેલા જ્યારે મારા પોતાના દીકરાને ટાઈપ-1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું, ત્યારે જે સંઘર્ષ મેં અનુભવ્યો તે કોઈ બીજા પિતાએ ન અનુભવવો પડે તેવા ઉમદા હેતુથી આ સંસ્થાના બીજ રોપાયા હતા. આજે એક બાળકની સારવાર પાછળ મહિને અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ થાય છે, પરંતુ ઉદાર મન ના દાતાઓના સહયોગથી અમે સેંકડો બાળકોને આ સારવાર નિઃશુલ્ક આપી શકીએ છીએ.”
આ કાર્યક્રમમાં શહેરના અનેક અગ્રણીઓ જેવા કે પરાક્રમસિંહ જાડેજા (Jyoti CNC), કિરીટભાઈ સંઘવી, વી.એસ. દામાણી, મનસુખભાઈ પાણ, મુકેશભાઈ શેઠ, સર્વાનંદભાઈ સોનવાણી સહિતના ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરના નામાંકિત એન્ડોક્રાઈનોલોજિસ્ટ અને પિડિયાટ્રિશિયન ડોક્ટરોએ પણ હાજરી આપી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


