યુનિવર્સિટી રોડના વેપારીએ બે શખ્સો સામે નોંધાવી ફરિયાદ, કરોડોના સોદા બાદ પ્લોટના દસ્તાવેજ મુદ્દે તણાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં જમીન અને મિલકતના સોદાને લઈને વિવાદ ઉગ્ર બનતાં એક વૃદ્ધ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અજયભાઈ ગઢિયાએ શૈલેષ બોરીયા અને જીતુ જોષી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2021માં જીતુ જોષી મારફતે અજયભાઈ ગઢિયાએ શૈલેષ બોરીયાની ‘લાયન સ્ટાર એક્સપોર્ટ’ કંપનીની સણોસરા ખાતે આવેલી લોખંડની ફેક્ટરી તેમજ મિતાણા વિસ્તારમાં આવેલા 51 રહેણાંક પ્લોટનો સોદો કુલ રૂપિયા 3.30 કરોડમાં કર્યો હતો. આ સોદા અંતર્ગત વેપારીએ શૈલેષની બેંક લોન પેટે જરૂરી રકમ પણ ચુકવી દીધી હતી, જેના બદલામાં તેમને ફેક્ટરીના દસ્તાવેજ મળી ગયા હતા.
જોકે, મિતાણા ખાતેના 51 પ્લોટના દસ્તાવેજ બાબતે બાદમાં વિવાદ ઊભો થયો હતો. આરોપી શૈલેષ બોરીયાએ સોદો વાસ્તવમાં રૂપિયા 8.91 કરોડમાં થયો હોવાનું કહી વધુ નાણાંની માગણી શરૂ કરી હતી. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને હાલ રાજકોટ તેમજ મોરબી સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ વિવાદનો ખાર રાખી ગત તા. 01/08/25ના રોજ આરોપી શૈલેષ બોરીયા અને જીતુ જોષી અજયભાઈના ઘરે આવ્યા હતા અને તેમને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ઘટનાથી ભયભીત બનેલા વેપારીએ આખરે પોલીસનો સહારો લઈ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ધમકી આપવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કરોડોના જમીન–મિલકતના સોદામાં ઊભેલા વિવાદે હવે ફોજદારી સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.


