પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના યુવાનોના ખાખી વર્દી પહેરવાના સપનાને સાકાર કરવાના ઉમદા હેતુથી ‘જેતપુર વોઈસ ન્યૂઝ’ દ્વારા આયોજિત ફ્રી પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનાર અત્યંત ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાત્મક માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો. ફૂલવાડી ભાદર રોડ પર આવેલી બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી ખાતે યોજાયેલા આ સેમિનારમાં જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ૨૦૦થી વધુ જાગૃત વિદ્યાર્થીઓ અને ભાવિ પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
સેમિનારમાં સિટી પોલીસ ઈન્સ્પેક્ટર ડી. પરમાર, તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર અજિતસિંહ હેરમાં, પી.એસ.આઈ. જાલા તથા પી.એસ.આઈ. જાડેજા વિદ્યાર્થીઓને પોલીસ સેવાના મૂલ્યો, ખાખી વર્દીની ગરિમા, શિસ્ત, ફરજ અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોલીસ ભરતી માત્ર નોકરી નથી, પરંતુ સમાજસેવાની એક મહાન જવાબદારી છે, જેને ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવવી જરૂરી છે.
સેમિનારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત મુકેશ ઉપાધ્યાયે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અભ્યાસની યોગ્ય રીત, સિલેબસની સમજ, સમય વ્યવસ્થાપન અને સતત મહેનતના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.


