વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરનસ સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન
આજે વિકાસ અને વિરાસતનો મંત્ર ચારે તરફ ગુંજી રહ્યો છે : PM મોદી
વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રાજયના બજેટથી બમણા રૂ.૮.૬૫ લાખ કરોડના રોકાણની જાહેરાત
રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન
રાજકોટ, જામનગર અને મોરબીનો આ ત્રિકોણ ‘મિની જાપાન’ બનાવવાનું સપનું આજે હકીકત બન્યું
કચ્છમાં નિર્માણ પામી રહેલો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે, જે ભારતની ગ્રીન ગ્રોથ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે
ભારત આજે ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ અને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે
ગુજરાત આજે “ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર” બની પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે : મુખ્યમંત્રી
કચ્છ અને સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ ધરાવે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ૮૦ એમઓયુથી લઈ ૯૮,૦૦૦ પ્રોજેક્ટ્સની સફળતાની સફર એટલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
અગ્ર ગુજરાત, રાજકોટ
કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં પ્રથમ દિવસે જ આગામી પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, રાજકોટ, મુન્દ્રા તેમજ ખાવડામાં રૂ.૮.૬૫ કરોડના રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ‘વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુઘી પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૦ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, MSME, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે.
વડાપ્રધાનએ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે. શ્વેતક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સિન (રસી) બનાવનાર દેશ ભારત છે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આપણું UPI દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે અને સોલર પાવર તથા મેટ્રો નેટવર્કમાં પણ આપણે ટોપ ત્રણમાં છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, ‘રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ’ના મંત્રને કારણે આજે વિશ્વની તમામ ગ્લોબલ સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે. IMF ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન માને છે અને ફિચ જેવી રેટિંગ એજન્સીઓ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અભૂતપૂર્વ નિશ્ચિતતા સાથેની ભારતની આર્થિક સ્થિરતાને બિરદાવી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગર્વભેર જણાવ્યું હતું કે, ભારત આજે અસીમ સંભાવનાઓનો દેશ બની ગયો છે, આપણા દેશમાં સ્થિરતા અને નીતિઓમાં સાતત્ય છે. ભારતમાં મધ્યમવર્ગના વ્યાપની સાથે તેઓની ખરીદશક્તિની ક્ષમતાઓ વધી રહી છે. આ તમામ પરિબળોને કારણે ભારત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ MSME કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.
મોરબીની વાત કરતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી આજે ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાનું એક છે અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. એક સમયે મેં મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને ‘મિની જાપાન’ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે.
આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન સાથે વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકી હતી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની છેલ્લા બે દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષોમાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે.
રાજ્યના સર્વાંગી વિકાસની ઝાંખી આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત આજે “ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર” (ભવિષ્ય માટેનું વૈશ્વિક દ્વાર) બન્યું છે અને પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. ઓટો સેક્ટર, સેમીકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એ.આઈ., ગ્રીન એનર્જી જેવા ઉભરતા અનેક ક્ષેત્રોમાં ગુજરાત આજે હબ બનવા તરફ જઈ રહ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ – સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમયે ઉદ્યોગ ક્ષેત્રેમાં “વાપીથી તાપી” સુધી જ ગુજરાત ઓળખાતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ દિશામાં ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે. વાઈબ્રન્ટના કારણે ગુજરાતની ચારેય દિશામાં “મેન્યુફેક્ચરિંગ હબ” તરીકે અનેક સેક્ટર વિકસ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપીને શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ૮૦ એમઓયુ સાથે શરૂ થયેલી આ ઇવેન્ટની સફળતાથી આજે ૯૮,૦૦૦ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.
કલાકાર ગીતાબેન રબારીએ સૌરાષ્ટ્ર-કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતું ‘હાલ તને હાલ, સૌરાષ્ટ્ર બતાવું’ ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.
આ અવસરે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, સર્વે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, રીવાબા જાડેજા, સર્વે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સર્વે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ સહિત ધારાસભ્યો, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, ટાટા કેમિકલ્સના એમ.ડી. આર. મુકુંદન સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો, વિદેશી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના મુંદ્રામાં આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ રૂ.૧.૫૦ લાખ કરોડનું મૂડી રોકાણ કરશે
અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એમ.ડી. શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારત સતત આગળ વધી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ કચ્છ સૌથી મોટું એનર્જી હબ બન્યું છે. અદાણી ગ્રુપ માટે મુંદ્રા કર્મભૂમિ છે. તેમજ સોલાર મેન્યુફેક્ચરિંગ માટે મુંદ્રા મહત્વનું સેન્ટર બન્યું છે. અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક મુદ્રા ખાતે બનાવી રહ્યો છે, જે ૩૭ ગીગા બાઈટનો એનર્જી પાર્ક બનશે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છના મુંદ્રા ખાતે આગામી પાંચ વર્ષ દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા રૂપિયા ૧.૫૦ લાખ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.
જ્યોતિ સી.એન.સી. મેન્યુફેક્ચરિંગ, આર.એન્ડ ડી. અમે સ્કીલ ક્ષેત્રે રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે
જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરા ઉપર યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને સાકાર કરતી સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બન્યું છે. આ કોઈ બિઝનેસ કોન્ફરન્સ નહીં પરંતુ વિકસિત ભારતનું વિઝન હવે પ્રદેશ, જિલ્લા, સ્થાનિક ઔદ્યોગિક ઇકો સિસ્ટમ સુધી પહોંચી રહ્યું હોવાનો સ્પષ્ટ સંકેત છે. વિશ્વમાં આજે અસ્થિર માહોલ વચ્ચે પણ ભારત દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મક્કમ અને સ્થિર બનીને ઊભું છે અને આગળ વધી રહ્યો છે. અમારો ધ્યયે ખૂબ જ સ્પષ્ટ છે કે મેન્યુફેક્ચરિંગ માત્ર બિઝનેસ નથી, અમારી જવાબદારી છે. અમારી કંપની આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પૂરી પાડવા માટે જ્યોતિ સી.એન.સી. તત્પર છે.
રૂ. ૫૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનો સૌથો મોટો પાઈપલાઇન પ્લાન્ટ સ્થાપવા વેલસ્પનના ચેરમેન બી.કે. ગોએન્કાની જાહેરાત
વેલસ્પન કંપનીના ચેરમેન શ્રી બી. કે. ગોએન્કાએ ગૌરવભેર જણાવ્યું હતું કે, કચ્છ અમારી જન્મભૂમિ છે એક સમયે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ થઈ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ રિફાઇનરી પોર્ટ અને સીરામીક માટે જાણીતું બન્યું છે. આ ક્ષેત્રનો વિકાસ છેલ્લા ૨૦ વર્ષમાં થયો છે, જેનો શ્રેય હું દેશના પ્રધાનમંત્રીને આપું છું. તેમણે ઉમેર્યું હતું કે, ‘આજે વેલસ્પન એક લાખ થી વધુ લોકોને રોજગારી આપે છે. તેમણે ૨૦૦૩ના વાઇબ્રન્ટ સમિટને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે હું વાપીમાં પ્લાન્ટ કરવાનો હતો પરંતુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મને એવું કહ્યું હતું કે આપ આપનો પ્લાન્ટ કચ્છમાં નાખશો, તો આપને એક રૂપિયાના રોકાણ સામે એક ડોલર વળતર મળશે. જે વાત આજે સાચા અર્થમાં સાર્થક થઈ છે. અમારી કંપની આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી પાઈપ પ્લાન્ટનું ઉત્પાદન કરવા માટે રૂ. ૫૦૦૦ કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે.
40 દેશોના 350 જેટલા વિદેશી ડેલિગેસ્ટ, 5000 થી વધુ બિઝનેસમેનનું આગમન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચશે, જ્યાં પહેલીવાર રાજકોટમાં સૌરષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. મારવાડી કોલેજમાં આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં 40 દેશોના 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ હાજરી આપશે. તો PM મોદીના હસ્તે વાઈબ્રન્ટ સમિટનું
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન વાઇબ્રન્ટ સમિટનું ઉદ્દઘાટન કરશે. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી ખાસ જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. જ્યાં 40 દેશોના 350 જેટલા વિદેશી ડેલિગેસ્ટ રાજકોટ પહોંચ્યા છે.
વાઈબ્રન્ટ સમિટની ખાસિયત
- 52 એકરમાં વાઇબ્રન્ટ રિજનલ સમિટ ઉભી કરાઈ
- આ વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્દધાટન માટેનો એક ડોમ છે
- એક્ઝિબિશન માટેના 7 ડોમ ઉભા કરવામાં આવ્યા છે
- મારવાડી કોલેજના વિધાર્થીઓની જ 1000 જેટલી પેટર્ન વાઈબ્રન્ટમાં મૂકવામાં આવી છે
- 5000 થી વધુ બિઝનેસમેન રાજકોટના મહેમાન બન્યા છે
- વિદેશી બિઝનેસમેનો માટે મારવાડી કોલેજના વિદેશી છાત્રો લાઇઝનિંગમાં રહેશે
વાઈબ્રન્ટ સમિટમાં રાજકોટના ઓટોમોબાઇલ્સ ઉધોગ, ઇમિટેશન માર્કેટ, જ્વેલરી માર્કેટ, કીચનવેર ઉધોગ, જામનગરનો બ્રાસ ઉધોગ, મોરબીનો સિરામીક ઉધોગ, કચ્છમાં હસ્તકલા ઉધોગ, સૌરઉર્જા ટેક્નોલોજી સહિત ઉધોગને પ્રોત્સાહન મળશે. વાઈબ્રન્ટ રિજનલ સમિટમાં કરોડો રૂપિયાના MOU મારફત વિવિધ કંપનીઓ અને રાજ્યની જનતાને અનેકગણો ફાયદો પણ થશે.


