ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગા સ્ટુડિયોનો પ્રારંભ
અદ્યતન યોગ અને એરિયલ, થેરાપી સ્ટૂડિયો, એરોબિક્સ / કથક / સેમી-ક્લાસિકલ સ્ટૂડિયો, સાઉન્ડ હિલીંગ, ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બાળકો માટે ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ સહિતની સુવિધા એક છત નીચે મળશે
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ઈન યોગ અભ્યાસક્રમની માન્યતા પત્ર એનાયત કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ’ દ્વારા 21 જૂન ને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ખાતે એક નૂતન ‘સેન્ટર ફોર યોગા એક્સલન્સ’ (યોગા સ્ટુડિયો)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ રામકૃષ્ણ આશ્રમના સ્વામી મેઘજાનંદજી મહારાજ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળના રજિસ્ટ્રાર મહેશકુમાર મેત્રાના હસ્તે આ યોગા સ્ટૂડિયોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી- વેરાવળના રજિસ્ટ્રાર મહેશકુમાર મેતરા દ્વારા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીઓને ડિપ્લોમા ઈન યોગા કોર્ષની માન્યતા અંગેનું ઓફિશિયલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા સેન્ટર ફોર યોગા એક્સલન્સ કેન્દ્રનો ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને સ્ટૂડિયોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ યોજાયેલા સ્ટેજ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખશ્રી હરેશભાઈ પરસાણાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને ઉમળકાભેર આવકાર્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ નિરાલીબેન દવે અને તેમની ટીમ દ્વારા સુંદર મજાની કથક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ અને ઉદઘાટક સ્વામી મેઘજાનંદજી મહારાજ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મહેશકુમાર મેતરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજાનું ટ્રસ્ટીઓ દ્વારા ખેસ અને હાર પહેરાવી મા ખોડલની પ્રતિમા અર્પણ કરી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી મેઘજાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકોના આરોગ્યની ચિંતા કરીને સંસ્થા દ્વારા યોગા સ્ટૂડિયો શરૂ કરવામાં આવ્યો છે તે અભિનંદનને પાત્ર છે.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી- વેરાવળના રજિસ્ટ્રાર મહેશકુમાર મેતરાએ જણાવ્યું હતું કે, આપણા જીવનમાં યોગની ખૂબ જ જરૂરિયાત છે. ત્યારે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા અદ્યતન યોગા સ્ટૂડિયો શરૂ કરવામાં આવ્યો છે તે સરાહનીય છે.
આ તકે ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, યોગથી શારીરિક તંદુરસ્તી તો મળે જ છે પરંતુ માનસિક તંદુરસ્તી પણ મળે છે અને ભાઈચારો વધે છે. યોગ એ આપણી ઋષિ પરંપરા છે. શ્રી ખોડલધામ વર્ષોથી યોગ ક્લાસ ચલાવે છે જેમાં અનેક લોકો જોડાયા છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યોગ લોકોને જોડવાનું કામ કરે છે. ત્યારે આ યોગા સ્ટૂડિયો શરૂ કરવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે મંત્રી જી.એલ.રામાણી દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા શ્રી સરદાર પટેલ ભવન ખાતે ચાલતી સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. યોગ શિક્ષક દિપકભાઈ પટેલે સંસ્થા સાથે જોડાયેલા તમામ 17 યોગગુરુ, ડોક્ટરો અને નિષ્ણાતોનો પરિચર કરાવ્યો હતો.
આ સેન્ટર ખાતે દરેક પ્રવૃત્તિઓ માટે ક્વોલિફાઇડ અને સર્ટિફાઇડ નિષ્ણાતોની વિશાળ ટીમ કાર્યરત રહેશે. જેમાં દીપક પટેલ, અંકિત ગમઢા, ડૉ. પૂજા માકડિયા (સુતરીયા), ડૉ. ધ્રુપલ ધામી (સગપરીયા), નિરાલી દવે, કિન્નરી ચુડાસમા, સ્મિતા રાજદેવ, જીતેન મણિયાર, શ્રુતિ અસલાલીયા, આર્યદિપસિંહ જાડેજા, સંગીતા નસીત, મિતાલી મુંડીયા, બંસી સવજાની, ચાર્મી ચોટાઈ, સારંગી સોની (કનેરિયા), અંકિતા પટેલ અને નીપા ચતવાણી જેવા અનુભવી અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા કોચનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે આ આધુનિક યોગ સ્ટૂડિયોમાં જોડાવા અને વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર: 7069929295, 9723776900 પર સંપર્ક કરવા જણાવાયું છે.
સેન્ટર ફોર યોગા એક્સલન્સમાં મળનાર સુવિધાઓ
આ સેન્ટરમાં ભાઈઓ, બહેનો તેમજ બાળકો માટે જુદા જુદા સ્પેશિયલાઇઝ્ડ સેક્શન અને સ્ટૂડિયો બનાવવામાં આવ્યા છે.
થેરાપી સ્ટૂડિયોઃ અહીં રોગ આધારિત વિશેષ યોગ સત્રો ચલાવવામાં આવે છે. જેમાં વજન ઘટાડવા માટેનો સ્પેશિયલ વેટ લોસ પ્રોગ્રામ, ડાયાબિટીસ, પાચનની સમસ્યાઓ (ગટ હેલ્થ), હાઈ બ્લડપ્રેશર, હૃદયની તકલીફો, ડિપ્રેશન, એન્ઝાયટી, સાંધાના દુઃખાવા અને થાઈરોઈડ જેવી બિમારીઓ માટે ખાસ યોગ કરાવવામાં આવશે. શરીરની આંતરિક શુદ્ધિ માટે શુદ્ધિ ક્રિયાઓ જેમ કે ત્રાટક, નેતિ (જલ, કેથેટર), ધૌતી, વમન અને નૌલી ક્રિયાઓ કરાવવામાં આવશે. આ ઉપરાંત સાઉન્ડ મેડિટેશન, રાગ થેરાપી, સાયક્લિક-એડવાન્સ મેડિટેશન, MSRT અને યોગ નિદ્રા જેવી સેવાઓ સામેલ છે. ગર્ભવતી બહેનો માટે પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી બાદના ખાસ યોગા સત્રો પણ ઉપલબ્ધ છે.
યોગ / એરિયલ સ્ટૂડિયોઃ સામાન્ય ફિટનેસ માટેના રેગ્યુલર યોગ વર્ગો ઉપરાંત પ્રોપ્સ સાથે એરિયલ યોગ અને બંજી જમ્પિંગની આધુનિક સુવિધા અહીં ઉપલબ્ધ છે. બાળકોના સર્વાંગી વિકાસ અને જિલ્લાથી લઈને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓની તૈયારી માટે ખાસ યોગ વર્ગો તેમજ 3 થી 8 વર્ષના બાળકો માટે ‘ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ’ પણ ચલાવવામાં આવે છે.
એરોબિક્સ / કથક / સેમી-ક્લાસિકલ સ્ટૂડિયો: ફિટનેસ પ્રેમીઓ માટે બોલ, સ્ટીક, સ્ટેપર, બેલ્ટ, વોલ વર્કઆઉટ અને બોલીવુડ મ્યુઝિક સાથે એરોબિક્સ અને ઝુમ્બાના વર્ગો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય કથક (એકેડેમિક) અને સેમી-ક્લાસિકલ નૃત્યના વર્ગો પણ શરૂ થશે.
અન્ય કન્સલ્ટિંગ સેવાઓ: હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે અહીં ડાયેટિશિયન ગાઈડન્સ અને આયુર્વેદ કન્સલ્ટિંગની સુવિધા પણ આપવામાં આવશે.


