રાજકોટ પોલીસ બેડામાં ખળભળાટ: 60 કિલો ચાંદીના વિવાદમાં CP–DCP સહિત 6 સામે કોર્ટમાં ફરિયાદ
વેપારીના આક્ષેપો પરથી અદાલતે અરજી ગ્રાહ્ય રાખી; 27 જાન્યુઆરીએ તમામ અધિકારીઓને હાજર રહેવાનો હુકમ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની પોલીસ વ્યવસ્થા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. 60 કિલો ચાંદીના વ્યવહારને લઈને એક વેપારીએ ગંભીર આક્ષેપો સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે સીધી કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વેપારી હરેશ કારેલિયાની ફરિયાદ પરથી કોર્ટ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર (CP), ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP), પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ છ અધિકારીઓને સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓને આગામી 27 જાન્યુઆરીએ અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફરિયાદમાં વેપારીએ આક્ષેપ કર્યો છે કે 60 કિલો ચાંદીના વ્યવહાર સંદર્ભે તેમણે જરૂરી ચૂકવણી કરી દીધી હોવા છતાં પોલીસ દ્વારા તેમની અરજી પર યોગ્ય તપાસ કરવામાં આવી નથી. વધુમાં, ચાંદી તથા રકમ ચૂકવ્યા બાદ પણ તેમની પાસેથી સતત ઉઘરાણી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વેપારીનું કહેવું છે કે આ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે અને ફરિયાદ છતાં ન્યાય મળતો ન હોવાથી તેમને કોર્ટમાં જવું પડ્યું.
વેપારીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેમણે પોલીસ તંત્રના વિવિધ સ્તરે રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી નહોતી. પરિણામે તેમને માનસિક અને આર્થિક હેરાનગતિ સહન કરવી પડી છે. આ સંજોગોમાં ન્યાય માટે અદાલતનો આશરો લેવો અનિવાર્ય બન્યો હોવાનું પણ તેમણે રજૂઆતમાં ઉલ્લેખ્યું છે.
કોર્ટ દ્વારા ફરિયાદને ગ્રાહ્ય રાખવામાં આવતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને એકસાથે હાજર રહેવા માટે હુકમ થતાં શહેરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે પોલીસ સામે ફરિયાદો થાય છે, પરંતુ સીધા કમિશનર કક્ષાના અધિકારી સહિત છ અધિકારીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ થવી એ દુર્લભ ઘટના ગણાઈ રહી છે. આથી પોલીસ વિભાગમાં આંતરિક ચર્ચાઓ અને ચિંતા વધતી જોવા મળી રહી છે.
હવે 27 જાન્યુઆરીએ અદાલતમાં થનારી સુનાવણી પર સૌની નજર મંડાઈ છે. આ કેસમાં કોર્ટ શું વલણ અપનાવે છે અને પોલીસ અધિકારીઓ તરફથી શું જવાબ આપવામાં આવે છે, તે આગામી દિવસોમાં રાજકોટ પોલીસની છબી અને કામગીરી પર મહત્વપૂર્ણ અસર કરી શકે તેમ છે.


