જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક, બે દિવસમાં ત્રણ માસૂમ બાળકો પર હુમલો
ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાય : ત્રણ મહિનામાં ૧૨૫૦ થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રખડતા શ્વાનોનો આતંક હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધતી જ રહી છે, જેના કારણે લોકોમાં ભય અને આક્રોશ બંને જોવા મળી રહ્યા છે. માત્ર છેલ્લા બે દિવસમાં જ શ્વાન કરડવાના ત્રણ ગંભીર બનાવો સામે આવતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરની આસોપાલવ સોસાયટી વિસ્તારમાં પણ એક બાળક પર કૂતરાએ હુમલો કર્યો હોવાનો હૃદયદ્રાવક CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં બાળકના હાથ પર ગંભીર ઇજા થતાં તેને સારવાર દરમિયાન ૬ ટાંકા લેવા પડ્યા હતા. સામે આવી રહેલા CCTV દ્રશ્યો લોકોમાં ભય અને રોષને વધુ ભડકાવી રહ્યા છે.
બાદ, ગોંદરા વિસ્તારમાં પણ એક ઘટના સામે આવી હતી, જ્યાં ઘર પાસે રમતી ૨ વર્ષની માસૂમ બાળકી ત્રિવા પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. બાળકીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નાની ઉંમરના બાળકો પર થતાં આવા હુમલાઓએ વાલીઓની ચિંતા અનેકગણી વધારી દીધી છે.
આ ઉપરાંત, જેતપુરના સારણના પુલ પાસે પોતાના ઘર નજીક રમતી ૮ વર્ષની માસૂમ બાળકી શાનવી પર અચાનક રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને નિર્મમતાથી બચકા ભરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે.
જેતપુરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા કૂતરાઓ પણ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા માત્ર ત્રણ મહિનામાં જ અંદાજે ૧૨૫૦ જેટલા લોકોને શ્વાનોએ કરડ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. રાત્રિના સમયે વાહનચાલકો પાછળ કૂતરાઓ દોડતા અકસ્માતોની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે, જ્યારે વૃદ્ધો અને મહિલાઓ માટે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં રખડતા કૂતરાઓને પકડવા કે વંધ્યીકરણ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે લોકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે રખડતા કૂતરાઓને પકડવાનું અને નિયંત્રણમાં લેવાનું અભિયાન શરૂ કરવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.


