શૈક્ષણિક ધામોમાં બનતી ઘટનાઓ અટકે તે માટે આત્મમંથન જરૂરી છે : વાલી મહામંડળ
શિક્ષણને ઉચ્ચ સ્તરે લઇ જવા જાગૃત થવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
શૈક્ષણિક ધામોમાં બની રહેલી ચિંતાજનક ઘટનાઓ અટકે તે માટે સૌ કોઈએ આત્મમંથન કરવાની જરૂરછે તેમ વાલી મહામંડળ દ્વારા જણાવાયું છે. વિદ્યાર્થીઓ જે સંસ્થાઓમાં અભ્યાસ અર્થે જાય છે, જે માં સરસ્વતીનું મંદિર છે તેવી સંસ્થાઓમાં અનૈતિક આચરણ આચરવામાં આવે, નાણાકીય કૌભાંડો કરવામાં આવે, પરીક્ષા વખતે પેપર ફૂટી જાય કે ચોરીની ઘટનાઓ સામે આવે, પ્રવાસ દરમિયાન એક્સીડન્ટના બનાવો બને આવી અનેક બાબતો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકો માટે ખૂબજ ચિંતાજનક બાબત બની રહે છે.
આવા બનાવો બનતા અટકે અને વિદ્યાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી પોતાના અભ્યાસની સાથે અભ્યાસને આનુસાંગિક રમત ગમત, પ્રવાસ, પ્રદર્શન વગેરે પ્રવૃત્તિઓ સાથે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા કમર કસીને અભ્યાસમાં તલ્લીન બની જાય તે માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણ વિભાગ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌએ સાથે મળીને હવે આવા બનાવો બનતા અટકે તે માટે ગંભીરપણે વિચારણા કરીને યોગ્ય ઉકેલ લાવવા અને શિક્ષણના સ્તરને ઉંચે લઈ જવા જાગૃત થવા રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારી, સહમંત્રી જીતુભાઈ લખતરીયાએ અપીલ કરી છે.


