તંત્રના ચોપડે દર્દીઓમાં ઘટાડો, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લાંબી કતારો
અઠવાડીયામાં માત્ર ૧૭૫૨ કેસ નોંધાયા : ઘરે-ઘરે માંદગીના ખાટલા : મચ્છર ઉત્પતિ સબબ ૨૨૧ને નોટીસ : ૧૦૮૧ કલોરીન ટેસ્ટ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં મિશ્રઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે. આ બદલાતા વાતાવરણના કારણે શહેરીજનો બિમાર પડી રહ્યા હોવાથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટયો છે છતાં તંત્રના ચોપડે દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા અઠવાડીયામાં શરદી, ઉધરસના ૯૪૭, સામાન્ય તાવના ૬૨૫, ઝાડા-ઉલ્ટીના ૧૭૯ અને કમળાના તાવના એક સહિત ૧૭૫૨ દર્દીઓ તંત્રના ચોપડે નોંધાયા છે.
મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૨/૦૧/૨૦૨૬ થી તા.૧૮/૦૧/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૭૪૩૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૩૩૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૪૨ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૮૦ અને કોર્મશીયલ ૪૧ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૧૦૮૧ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.


