રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
તા.૨૨-૨3મીએ ગુજરાતભરમાં યોજાશે વિવિધ કાર્યક્રમો
અગ્ર ગુજરાત, રાજકોટ
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્નો, પીડા અને આક્રોશનો અવાજ રજૂ કરવા રાજસ્થાનના કોટા ખાતે ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ યોજ્યો હતો, હવે કોંગ્રેસં ગુજરાતમાં આગામી 22-23 જૂને રાજ્યના તમામ જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ થકી ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ યોજવાનું એલાન કર્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓ, જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીનો પુરોચ્ચાર કરતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ-ગુજરાતમાં સતત પરીક્ષાનાં પેપરો લીક થવાના બનાવોને કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતિ છે. ગુજરાતના ૮૦ હજાર સહિત સમગ્ર દેશના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થી NEETની તૈયારી કરી રહ્યા હતા. પેપર લીક થવાના આક્ષેપો થયા, પરંતુ સરકારે કોઈ પગલાં ભર્યા નથી. આવી ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગી જાય છે, માનસિક તણાવ વધી જાય છે, વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનામાં વધારો થયો છે.
દેશનું બજેટ રૂ.૧.૪૦ લાખ કરોડ છે, જેની સામે NEETની તૈયારી પાછળ જ વિદ્યાર્થીઓ-વાલીઓ આશરે રૂ. ૧.૩૨ લાખ કરોડનો ખર્ચ કરે છે. કોચિંગ ક્લાસિસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થવા જાય છે. ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્ત્વની પરીક્ષાની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનું મનાય છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં વધુ છે.


