કાર્યક્રમમાં યોગ્ય સન્માન ન મળતા હોદેદારોમાં ભારે નારાજગી
ઉપલેટમાં ભાજપના સન્માન સમારોહમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોચ્યો
સ્થાનિક સંગઠનની અવગણના થતાં હોદેદારોનો ચાલુ કાર્યક્રમે વોકઆઉટ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરમાં યોજાયેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત નેતાઓના સન્માન સમારોહમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુકના સન્માન માટે યોજાયેલો આ કાર્યક્રમ સ્થાનિક સંગઠનની નારાજગી અને હોદ્દેદારોના વોકઆઉટને કારણે વિવાદોનું કેન્દ્ર બન્યો હતો.
રવિવારે ઉપલેટાની વિવિધલક્ષી વિનય મંદિર હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રમેશ ધડુકના સેવાકીય કાર્યો અને અયોધ્યા-દ્વારકાના પ્રવાસોની ભરપૂર પ્રશંસા કરી હતી. ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયા અને પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ પણ નેતાઓની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે બંને નેતાઓની ‘પુસ્તક તુલા’ કરવામાં આવી હતી અને એકત્ર થયેલા પુસ્તકો સરકારી શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે ૧૫૦૦ થી ૧૭૦૦ લોકોની હાજરીથી સ્થળ પર મેળા જેવો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમનો સમય સાંજે ૫ વાગ્યાનો હતો, પરંતુ રમેશ ધડુક દોઢ કલાક મોડા પહોંચ્યા બાદ કાર્યક્રમ શરૂ થયો હતો. જ્યારે ડૉ. પ્રશાંત કોરાટ અન્ય ધાર્મિક કાર્યક્રમોને લીધે ૩ કલાક મોડા એટલે કે રાત્રે ૮ વાગ્યા પછી પહોંચ્યા હતા. તેમણે મોડા આવવા બદલ માફી માંગી હતી અને પક્ષે આપેલી જવાબદારી સૌને સાથે રાખીને નિભાવવાની ખાતરી આપી હતી.
કાર્યક્રમની ભવ્યતા વચ્ચે ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવ્યો હતો. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સ્થાનિક ધારાસભ્યનું નામ ન હોવાથી વિવાદ પહેલા જ શરૂ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ કાર્યક્રમ દરમિયાન ઉપલેટા શહેર ભાજપ સંગઠનની ઘોર અવગણના કરવામાં આવી હતી. સ્થાનિક હોદ્દેદારોને મંચ પર યોગ્ય સ્થાન કે સન્માન ન મળતા તેઓ અપમાનિત થયાની લાગણી સાથે ચાલુ કાર્યક્રમે વોકઆઉટ કરી ગયા હતા. આયોજકો અને નેતાઓએ તેમને મનાવવાના અને પાછળથી બેઠક કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ રોષે ભરાયેલા હોદ્દેદારોએ કોઈ દાદ આપી ન હતી.
આયોજનમાં ઉપલેટા નગરપાલિકા અને શિક્ષણ સમિતિનું નામ હોવા છતાં, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અને ભાજપ સિવાયના સદસ્યોને આમંત્રણ અપાયું ન હતું. આથી કાર્યક્રમનો ખર્ચ અને બિલ કોના નામે ઉધારાશે તે અંગે પ્રશ્નો ઉઠ્યા છે. વધુમાં, કાર્યક્રમ બાદ યોજાયેલા જમણવારમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેમાં જમવા બાબતે ઝઘડા અને તડાફડી બોલી હોવાની ફરિયાદો ઉઠી હતી.


