ટીપી સ્કીમમાં હવે બિનખેતીના પ્રમાણપત્ર મેળવવાની અનિવાર્ય પ્રક્રિયાથી મળશે છુટકારો
રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે આવશે ક્રાંતિકારી સુધારા : ફરજીયાત પ્રક્રિયાને નાબૂદ કરવા ચાલતી વિચારણા
અગ્ર ગુજરાત, ગાંધીનગર
બાંધકામ ક્ષેત્રમાં રાજય સરકાર દ્વારા મહત્વના ફેરફાર કરવાની તૈયારીમાં છે. જેમાં ટીપી હેઠળ આવતા વિસ્તારોમાં બિન ખેતીના સર્ટી મેળવવાની ફરજીયાત પ્રક્રિયા રદ કરશે. આ નિર્ણયથી રાજયમાં નવી બનેલી મહાનગરપાલિકા અને પાલિકાઓમાં ફાયદો થશે. રાજકોટ શહેરમાં મેગા સિટી તરફ આગળ વધી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોનો મનપામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાંચ ગામ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા છે જેને ડેવલોપ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. રાજય સરકારના આ નિર્ણયથી રાજકોટના વિકાસને વેગ મળશે.
ગુજરાતમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવનારા સમયમાં મોટા સુધારા જોવા મળી શકે છે. રાજ્ય સરકાર ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતા વિસ્તારોમાં બિન-ખેતીના પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત પ્રક્રિયાને નાબૂદ કરવા પર સક્રિયપણે વિચારણા કરી રહી છે. આ અંગે રાજ્ય સરકારે તાજેતરમાં ગાંધીનગરમાં આ અંગે બેઠક યોજી હતી. સરકાર અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક આ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર અને ઉચ્ચ અધિકારીઓ આ નિર્ણયના પક્ષમાં છે.
હાલના નિયમો મુજબ, કોઈપણ રહેણાંક, વ્યાપારી, મિશ્ર ઉપયોગ અથવા ઔદ્યોગિક પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા મહેસૂલ વિભાગ પાસેથી બિનખેતી પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ભલે તે જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતી હોય, છતાં આ મંજૂરી લેવી પડતી હતી. હવે સરકાર આ ‘બિનખેતી’ મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે.
ગાંધીનગરમાં ભારત સરકારના અધિકારીઓ અને રાજ્યના સચિવો વચ્ચે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે જાણ કરી છે કે મહેસૂલી સુધારાના ભાગરૂપે આ પ્રક્રિયા ટૂંક સમયમાં અમલી બની શકે છે.હવે સરકાર આ ‘એનએ’ મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે. મહત્વની વાત એ છે કે, આ મુક્તિ માત્ર ફાઈનલ થઈ ગયેલી ટીપી સ્કીમ જ નહીં, પરંતુ ‘ડ્રાફ્ટ ટીપી’ સ્કીમ હેઠળ આવતા વિસ્તારોને પણ લાગુ પડી શકે છે.


