આવાસના બાકી હપ્તા પર વસૂલાતા ૨ ટકા વ્યાજમાંથી લાભાર્થીઓને મુકિત
વ્યાજ માફીની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : રાજકોટ સહિત રાજયના ૯૦૦૦ પરિવારોને રાહત
અગ્ર ગુજરાત, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હજારો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે એક અત્યંત સંવેદનશીલ અને રાહત આપનારો નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં બાકી હપ્તા પર વસૂલવામાં આવતું 2% દંડનીય વ્યાજ હવે સંપૂર્ણ પણે માફ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ વન ટાઇમ સેટલમેન્ટ યોજનાથી ૯ હજારથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે.
મુખ્યમંત્રીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારોના પરિવારો માટે Awas Yojanaના હપ્તા સબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે પરિવારો આવાસના હપ્તાની મૂદ્દલ રકમ ભરી દીધી હોય અથવા ભરવા તૈયાર હોય, પરંતુ 2% દંડનીય વ્યાજ ભરી શકતા નહોતા, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘણા પરિવારો એવા હતા જેમણે આવાસના હપ્તાની મૂદ્દલ રકમ તો ભરી દીધી હોય અથવા ભરવા તૈયાર હોય, પરંતુ તેના પર લાગતું 2% દંડનીય વ્યાજ ભરી શકતા નહોતા. તેમને હવે વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.
આ માટે લાભાર્થીઓએ આગામી 6 મહિનાની અંદર પોતાની બાકી રહેલી સંપૂર્ણ મૂદ્દલ રકમ ભરપાઈ કરવાની રહેશે, જે લાભાર્થીઓ મૂદ્દલ ભરી દેશે, તેમને 2% જેટલા માતબર દંડનીય વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.
આ નિર્ણયથી રાજ્યના અંદાજે 9029 ગ્રામીણ પરિવારોને લાભ થશે. રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 154 કરોડ જેટલી માતબર રકમનું દંડનીય વ્યાજ જતું કરવામાં આવ્યું છે. સૌથી મોટો ફાયદો એ થશે કે મૂદ્દલ રકમ ભરી દેનારા લાભાર્થીઓને તેમના મકાનના માલિકી હક્ક મળી જશે, જેથી તેઓ કાયદેસર રીતે પોતીકા ઘરના માલિક બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘દરેક જરૂરતમંદને મળે પોતાનું ઘર’ના સંકલ્પને સાકાર કરવા તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પરના આર્થિક બોજાને હળવો કરવા માટે આ નિર્ણય લેવાયો છે.


