થોરાળા પોલીસ સ્ટેશન પાછળ ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે લાગી ભીષણ આગ
આગમાં 20 જેટલા ઝૂંપડા સ્વાહા, અફરાતફરી અને હોબાળાની સ્થિતિ વચ્ચે ફાયર ટીમે આગ કાબૂમાં લીધી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા ચુનરવાડ ચોક નજીક થોરાળા પોલીસ સ્ટેશન પાછળની ઝૂંપડપટ્ટીમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આગ એટલી વિકરાળ બની હતી કે ગણતરીની મિનિટોમાં જ આશરે 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ગરીબ પરિવારોનો ઘરગથ્થુ સામાન, કપડા અને જીવનોપયોગી ચીજવસ્તુઓ ભસ્મીભૂત થઈ ગઈ હતી.
આગ લાગતાં જ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. લોકોએ જીવ બચાવવા દોડધામ શરૂ કરી હતી અને આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઝૂંપડા એકબીજાને અડીને અને ગીચ વસાહતમાં આવેલાં હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં સવારે 8:11 વાગ્યે પાંચ ફાયર ફાઇટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ દરમિયાન આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન સ્થાનિક લોકો દ્વારા હોબાળો કરવામાં આવતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. ઉશ્કેરાયેલા ટોળા અને સંકુચિત રસ્તાઓને કારણે ફાયર ટીમને કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં, ફરજ પર તૈનાત ફાયર કર્મચારીઓએ ધીરજ અને કુશળતાથી આગ પર કાબુ મેળવી લીધો હતો અને વધુ ફેલાતી આગને અટકાવી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અજાણ્યા કારણસર આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ સંભાળવા તેમજ વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાના પગલે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓમાં શોક અને ચિંતા છવાઈ ગઈ છે. એક ઝાટકે છાપરાં બળીને ખાખ થઈ જતાં અનેક પરિવારો રસ્તા પર આવી ગયા છે.


