કેન્દ્ર સરકાર હાય હાયના નારા સાથે રાજકોટ ગુંજ્યું
LIC–બેંક કર્મચારીઓની હડતાળથી ખાનગીકરણ અને શ્રમ કાયદા સામે ઉગ્ર વિરોધ, હજારો કર્મચારીઓ રસ્તા પર
અગ્ર ગુજરાત, રાજકોટ
કેન્દ્ર સરકારની શ્રમિક વિરોધી નીતિઓ સામે રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે કામદાર અને કર્મચારી વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકોટમાં LIC (ભારતીય જીવન વીમા નિગમ) તેમજ વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના હજારો કર્મચારીઓએ એક દિવસીય હડતાળ પાડી સરકાર સામે ખુલ્લો મોરચો ખોલ્યો હતો. સવારે જ શહેરના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓ એકઠા થતાં કેન્દ્ર સરકાર હાય હાય, ખાનગીકરણ બંધ કરો, શ્રમ કાયદા પાછા ખેંચો, જેવા નારા સાથે વાતાવરણ ગાજી ઉઠ્યું હતું.
આ હડતાળના કારણે રાજકોટમાં બેંકિંગ અને વીમા ક્ષેત્રની કામગીરી લગભગ ઠપ્પ રહી હતી. LICની શાખાઓમાં પોલિસી સંબંધિત કામકાજ, ક્લેમ સેટલમેન્ટ, પ્રીમિયમ ભરપાઈ સહિતની કામગીરી અટકી ગઈ હતી, જ્યારે બેંકોમાં પણ રોકડ વ્યવહાર, ચેક ક્લિયરિંગ અને અન્ય સેવાઓ પર વ્યાપક અસર પડી હતી. કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારની નીતિઓનો મુખ્ય ઉદ્દેશ મોટા કોર્પોરેટ ઘરોને ફાયદો પહોંચાડવાનો છે, જ્યારે દેશના કરોડો શ્રમિકો અને મધ્યમ વર્ગના કર્મચારીઓના હિતોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વેસ્ટર્ન ઝોન ઈન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન સહિતના વિવિધ શ્રમિક સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. આંદોલનમાં LICના ક્લાસ-3 અને ક્લાસ-4ના કર્મચારીઓ ઉપરાંત બેંક યુનિયનો, GEBના કર્મચારીઓ અને અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓ પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ બેનરો અને પ્લેકાર્ડ સાથે એકઠા થયા હતા, જેમાં શ્રમ કાયદામાં ફેરફાર, 12 કલાકની ફરજિયાત નોકરી, LICના ખાનગીકરણ અને નવી ભરતી ન થવા જેવા મુદ્દાઓને ઉગ્ર રીતે ઉછાળવામાં આવ્યા હતા.
વેસ્ટર્ન ઝોન ઈન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી હર્ષદ પોપટે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં LIC, બેંકો અને અન્ય સરકારી સંસ્થાઓના 30 કરોડથી વધુ કામદાર-કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તેમનો મુખ્ય આક્ષેપ એ છે કે, અગાઉ જે 29 શ્રમ કાયદાઓ અમલમાં હતા, તેને કેન્દ્ર સરકારે માત્ર 4 કોડમાં ફેરવી દીધા છે. આ 29 કાયદાઓ કામદારોને ઓછામાં ઓછું કાનૂની રક્ષણ આપતા હતા, પરંતુ નવા કોડથી માલિકોને અણશરતી છૂટ આપવામાં આવી છે.
હર્ષદ પોપટે વધુમાં જણાવ્યું કે, નવા શ્રમ કોડના અમલથી હવે માલિકો કામદારોને સંપૂર્ણ પગાર નહીં આપે, લીવ બેનિફિટ નહીં આપે, PF કે પેન્શન જેવી સુવિધાઓ નહીં આપે તો પણ તેમના સામે કોઈ કડક કાર્યવાહી નહીં થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને 300થી ઓછા કર્મચારીઓ ધરાવતા એકમોમાં માલિકોને ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરવાની સત્તા આપવામાં આવી છે, જે કામદારોના ભવિષ્ય માટે અત્યંત જોખમી છે.
તેમણે 8 કલાકના બદલે 12 કલાક ફરજિયાત કામ કરાવવાની નીતિ પર પણ કડક ટીકા કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કામ કરનાર કર્મચારી પોતાના પરિવાર, બાળકોના શિક્ષણ કે સામાજિક જીવન માટે સમય કાઢી શકશે નહીં. આ નિર્ણયથી ઓવરટાઈમનો લાભ પણ બંધ થઈ જશે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક સંકટ વધુ ઘેરું બનશે.
રાજકોટમાં LICના 200થી વધુ કર્મચારીઓ અને બેંકોના હજારો કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, LIC જેવી સંસ્થાએ વર્ષોથી દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. રસ્તા, પાણી, વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ વિકાસ યોજનાઓમાં LICએ સરકારને નાણાકીય સહારો આપ્યો છે. તેમ છતાં હવે LICના શેર વેચીને તેનું ખાનગીકરણ કરવાની તૈયારી ચાલી રહી છે, જે માત્ર કર્મચારીઓ માટે નહીં પરંતુ દેશના સામાન્ય પોલિસીધારકો માટે પણ નુકસાનકારક સાબિત થશે.
AEE ઈન્ડિયન યુનિયનના રાજકોટ ડિવિઝનના સંગઠન મંત્રી ઈમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, આ હડતાળ માત્ર LIC પૂરતી સીમિત નથી. તેમાં બેંક યુનિયનો, GEBના કર્મચારીઓ અને અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓ પણ સામેલ થયા છે. જો કેન્દ્ર સરકાર પોતાની શ્રમિક વિરોધી નીતિઓમાં ફેરફાર નહીં કરે અને શ્રમ કાયદાઓને યોગ્ય રીતે અમલમાં નહીં મૂકે, તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતાઓના આદેશ મુજબ વધુ ઉગ્ર આંદોલનો, ધરણાં અને લાંબી હડતાળ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, LIC અને બેંકોમાં ક્લાસ-3 અને ક્લાસ-4ના કર્મચારીઓની લાંબા સમયથી નવી ભરતી કરવામાં આવી નથી. આવનારા વર્ષોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થવાના હોવાથી સંસ્થાના દૈનિક કામકાજ પર ગંભીર અસર પડવાની શક્યતા છે. તેના બદલે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેને કારણે નોકરીની સુરક્ષા ખતમ થતી જઈ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને કર્મચારીઓએ કેન્દ્ર સરકાર સામે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો લડત વધુ તેજ બનાવવામાં આવશે.
શ્રમ કોડ સામે કર્મચારીઓનો ખુલ્લો બળાપો
શ્રમ કાયદામાં કરાયેલા ફેરફારોને લઈને કર્મચારીઓમાં ઘેરો અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ અમલમાં રહેલા 29 શ્રમ કાયદાઓ કામદારોને પગાર, રજા, PF, પેન્શન અને નોકરીની સુરક્ષા આપતા હતા. નવા ચાર શ્રમ કોડના અમલથી આ તમામ સુરક્ષા કમજોર બની ગઈ હોવાનો કર્મચારીઓનો આરોપ છે. ખાસ કરીને 300થી ઓછા કામદારો ધરાવતા એકમોમાં મનમાની છૂટછાટ આપવાથી છટણીનો ભય વધ્યો છે. કર્મચારીઓ માને છે કે, આ કાયદાઓ માત્ર કોર્પોરેટ ગૃહોના હિતમાં છે અને સામાન્ય શ્રમિકોને અનિશ્ચિત ભવિષ્ય તરફ ધકેલી રહ્યા છે.
12 કલાકની નોકરીએ મધ્યમ વર્ગ પર સંકટ
8 કલાકની નોકરીના બદલે 12 કલાક કામ કરવાની નીતિને કર્મચારીઓ મધ્યમ વર્ગ માટે ઘાતક ગણાવી રહ્યા છે. લાંબા કામકાજના કલાકોથી પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ બનશે, બાળકોના શિક્ષણ અને સામાજિક જીવન પર તેની સીધી અસર પડશે. ઓવરટાઈમની આવક બંધ થવાથી આવકમાં ઘટાડો થશે અને મહેનત વધશે. કર્મચારીઓનું કહેવું છે કે, આ નિર્ણય માત્ર આર્થિક નહીં પરંતુ માનસિક અને સામાજિક સમસ્યાઓને પણ જન્મ આપશે.
LICના ખાનગીકરણ સામે કર્મચારીઓનું લાલ એલર્ટ
LICના શેર વેચીને ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સામે કર્મચારીઓએ લાલ એલર્ટ જાહેર કર્યું છે. કર્મચારીઓ માને છે કે LIC માત્ર એક સંસ્થા નથી, પરંતુ કરોડો પોલિસીધારકોની વિશ્વસનીય સંસ્થા છે. ખાનગીકરણથી પોલિસીધારકોના હિતોને જોખમ ઊભું થશે અને કર્મચારીઓની નોકરીની સુરક્ષા ખતમ થશે. જો સરકાર આ દિશામાં આગળ વધશે તો સમગ્ર દેશમાં વધુ વ્યાપક અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી કર્મચારીઓએ આપી છે.


