જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
બુકિંગમાં પડતી હાલાકી દૂર કરવા રજૂઆત કરાઈ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાંધણ ગેસ (LPG) ના વિતરણમાં સર્જાયેલી અંધાધૂંધી અને અછતને પગલે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઓનલાઇન બુકિંગમાં પડતી મુશ્કેલીઓ અને વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા ગૃહિણીઓને રસોઈ બનાવવી મુશ્કેલ બની છે. આ જનહિતના મુદ્દે આજે જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પી. ડોબરીયાની આગેવાની હેઠળ પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, વર્તમાન સમયમાં ગેસના બાટલા માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સર્વરની સમસ્યા અથવા ટેકનિકલ ખામીને કારણે સામાન્ય લોકોના બુકિંગ થઈ રહ્યા નથી. જ્યારે ગ્રાહકો એજન્સી પર જાય છે, ત્યારે તેમને ‘તમારું બુકિંગ નથી’ કહીને ખાલી હાથે પરત કાઢવામાં આવે છે. સરકારની આ ખામીયુક્ત સિસ્ટમને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે.
વધુમાં રજૂઆત કરતા જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ક્યાંક બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ જેતપુર જેવા વિકસતા શહેરમાં ગેસ સિવાય રસોઈ માટે કોઈ અન્ય વિકલ્પ ઉપલબ્ધ નથી. ગેસની અછતનો લાભ ઉઠાવીને કેટલાક તત્વો દ્વારા કાળાબજાર કરવામાં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. લોકોએ પોતાના કામધંધા છોડીને ગેસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે અને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.
કોંગ્રેસ સમિતિએ મામલતદાર સમક્ષ માંગ કરી છે કે ગેસ વિતરણની પ્રક્રિયાને તાત્કાલિક સરળ બનાવવામાં આવે અને જરૂરિયાત મુજબનો પૂરવઠો પુરો પાડવામાં આવે. ગોવિંદભાઈ ડોબરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, “જો આગામી ટૂંકા સમયમાં ગેસની અછત દૂર કરવામાં નહીં આવે અને વિતરણ વ્યવસ્થામાં સુધારો નહીં થાય, તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી આવી છે.


