નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
વેલ્યુઅરની મિલીભગતથી 143.7 ગ્રામ ખોટા દાગીના ગીરો રાખી બે તબક્કે લોન લીધી; ત્રિમાસિક ઓડિટમાં ભાંડો ફૂટતા ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગોલ્ડ લોનના નામે મોટી ઠગાઈનો પર્દાફાશ થયો છે. અરજદારે નકલી સોનાના દાગીના ગીરો રાખી બે અલગ અલગ તબક્કામાં કુલ રૂ. 7.50 લાખની લોન મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર કૌભાંડમાં બેંકના વેલ્યુઅરની પણ સંડોવણી બહાર આવતા બેંકિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.
બેંક મેનેજર દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે મેટોડા પોલીસે આરોપી લોન ધારક દિલીપસિંહ હરિસિંહ પરમાર તથા બેંકના વેલ્યુઅર નિલેશ લખમણ મારવીયા સામે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, નગરપીપળીયા સ્થિત યુનિયન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ ગઢીયાએ પોલીસને જણાવ્યું હતું કે, 2 સપ્ટેમ્બર 2025ના રોજ દિલીપસિંહ પરમાર ગોલ્ડ લોન લેવા માટે બેંકમાં આવ્યો હતો. બેંકની નિયમિત પ્રક્રિયા મુજબ ગોલ્ડ લોન માટે સોનાના દાગીનાની ચકાસણી જરૂરી હોય છે. તેથી બેંકના માન્ય વેલ્યુઅર નિલેશ મારવીયાને બોલાવવામાં આવ્યા હતા. દિલીપસિંહે પ્રથમ તબક્કામાં બે વીંટી, બે ચેઈન અને એક લક્કી સહિત કુલ 91.89 ગ્રામ દાગીના રજૂ કર્યા હતા. વેલ્યુઅરે દાગીનાની તપાસ કરી અને તેમાં 22 કેરેટ (916 હોલમાર્ક) હોવાનું દર્શાવી સાચા સોનાના દાગીના હોવાનો રિપોર્ટ આપ્યો હતો. તેના આધારે બેંક દ્વારા રૂ. 4.50 લાખની ગોલ્ડ લોન મંજૂર કરી અરજદારના ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ ઘટનાના માત્ર 20 દિવસ બાદ, 22 સપ્ટેમ્બર 2025ના રોજ દિલીપસિંહ ફરી બેંકમાં આવ્યો અને વધુ નાણાંની જરૂરિયાત હોવાનું કહી એક સોનાની ચેઈન ગીરો રાખી બીજી ગોલ્ડ લોન માંગણી કરી. ફરીવાર વેલ્યુઅર નિલેશ મારવીયાને બોલાવવામાં આવ્યા હતા. તેમણે આ ચેઈનનું વજન 51.81 ગ્રામ બતાવી અને તેને પણ ખરા સોનાનો હોવાનું પ્રમાણિત કર્યું હતું. આ રિપોર્ટના આધારે બેંકે રૂ. 3 લાખની વધુ લોન આપી હતી. આ રીતે કુલ 143.7 ગ્રામ દાગીના ગીરો રાખી દિલીપસિંહે બે તબક્કે રૂ. 7.50 લાખની લોન મેળવી લીધી હતી. શરૂઆતમાં બધું નિયમિત લાગતું હોવાથી બેંકને કોઈ શંકા ઊભી થઈ ન હતી.
પરંતુ 10 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ રીજનલ ઓફિસ તરફથી ત્રિમાસિક ઓડિટ હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓડિટ દરમિયાન તમામ ગોલ્ડ લોન એકાઉન્ટની તપાસ સાથે ગીરો રાખવામાં આવેલા દાગીનાની ફરીથી ચકાસણી કરવામાં આવી હતી. ઓડિટ અધિકારી આશિતભાઈ બારભાયાએ દાગીનાની વિગતવાર તપાસ કરતા દિલીપસિંહ પરમાર દ્વારા ગીરો રાખવામાં આવેલા તમામ દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું.
આ ચોંકાવનારા ખુલાસા બાદ બેંક મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું. દિલીપસિંહને બેંકમાં બોલાવી આ મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવી, પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બીજી તરફ, વેલ્યુઅર નિલેશ મારવીયાને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.
બેંક દ્વારા બંનેને લોનની રકમ પરત ભરવા માટે સમજાવવામાં આવ્યું હતું, છતાં બંનેએ સહકાર આપ્યો ન હોવાથી અંતે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે મેટોડા પોલીસે આરોપી દિલીપસિંહ પરમાર અને વેલ્યુઅર નિલેશ મારવીયા વિરુદ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ બંને આરોપીઓની ભૂમિકા અને આ કૌભાંડ પાછળ કોઈ મોટું રેકેટ તો નથી ને તે દિશામાં તપાસ કરી રહી છે.
સ્થાનિક લોકોમાં પણ આ બનાવને લઈ ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો માને છે કે જો સમયસર ઓડિટ ન થયું હોત તો આ ઠગાઈ વધુ સમય સુધી બહાર આવી શકી ન હોત અને બેંકને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડત.
બેંકિંગ નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે વેલ્યુએશન પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની અને ડિજિટલ વેરિફિકેશન જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર છે. ઉપરાંત, સમયાંતરે કડક ઓડિટ અને ક્રોસ-ચેકિંગ મિકેનિઝમ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ ઉભી થઈ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ તથા અન્ય સંડોવાયેલા લોકો અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જો તપાસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવશે તો આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


