રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
સ્વામિનારાયણ ભગવાનના ૨૪૫માં પ્રાગ્ટય પર્વની ઉજવણી : ૫૦૦૦ હરિભકતો ભકિતમાં તરબોળ થયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રાજમાર્ગો પર ભગવાન સ્વામિનારાયણના ૨૪૫માં પ્રાગટ્ય પર્વ ઉપક્રમે સ્વામિનારાયણ સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ કે જેમણે ૪૯ વર્ષના જીવનકાળ દરમિયાન લાખો મુમુક્ષુઓનું કલ્યાણ કરી અક્ષરબ્રહ્મગુરૂ દ્વારા ભક્તોના કલ્યાણનો માર્ગ હંમેશા માટે ખુલો રાખ્યો. આ ટૂંકા જીવનકાળ દરમિયાન તેઓએ સમાજને વિષય, વ્યસન, વહેમ, વ્યભિચાર, કુપ્રથાઓ અને દૂષણોથી મુક્ત કરી સમાજને નવજીવન અર્પ્યું.
આ યાત્રાની શરૂઆત રેસકોર્સ મેદાનના ઇન્ડોર સ્ટેડિયમ પાસેથી કરવામાં આવી હતી. જેમાં બીએપીએસ રાજકોટ મંદિરના કોઠારી સંત પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી તેમજ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને અન્ય સંતો તથા રાજકોટના અગ્રગણીય મહાનુભાવોએ આ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. યાત્રા એરપોર્ટ ચોક, કિસાનપરા ચોક, અકિલા ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, ભારત બેકરી, કોર્પોરેશન ચોક, બસ સ્ટેન્ડ, ભૂતખાના ચોક, નાગરિક બેંક, મક્કમ ચોક, ગુરુકુળ બ્રિજ, આનંદ બંગલા ચોક, મવડી ફાયર સ્ટેશન, મવડી ચોક, 150 ફૂટ રીંગ રોડ, કેક કેવી હોલ, કોટેચા ચોક સહિત રાજકોટના મુખ્ય ૨૦ જાહેર સ્થાનો, રસ્તાઓ અને ચોકને આવરી ૨૫ કી.મી.લાંબી આ યાત્રા અંતે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરે વિરામ પામી હતી.
આ યાત્રામાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર રાજકોટના ૫૦૦૦ હરિભક્તો ૧૦૦૦ થી પણ વધુ વાહનોમાં સંમેલિત થયા હતા. ધૂન, ભજન-કીર્તન અને નૃત્ય સાથે અલગ-અલગ સ્થાનો અને રસ્તાઓ પરથી નીકળતી ‘સ્વામિનારાયણ સંદેશ યાત્રા’ થી રાજકોટના રાજમાર્ગો ભગવાન સ્વામિનારાયણના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. રાજકોટવાસીઓએ પણ ભગવાન સ્વામિનારાયણનો જીવન સંદેશ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
ગુરુવારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પૂજ્ય વિશ્વેશતીર્થ સ્વામીએ ઉપસ્થિત સૌને મહાપૂજા વિધિમાં જોડ્યા હતા. મહાપૂજાવિધિ બાદ સંતોએ ઠાકોરજીને જન્મોત્સવ પર્વે પંચામૃત અને કેસર જલાભિષેક કરી વધાવ્યા હતા. ત્યારબાદ ૮:૪૫ થી ૯:૧૫ દરમ્યાન નીલકંઠવર્ણી મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની કેસર જલાભિષેક વિધિ સાથે સહજાનંદ નામાવલીનો પાઠ યોજાયો હતો. આજના જન્મોત્સવ પર્વે ભક્તોએ ભગવાનના વિશિષ્ટ નૂતન શણગાર દર્શન અને શણગાર આરતી દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ઉપસ્થિત ભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજને કેસર જળથી અભિષેક દ્વારા વધાવ્યા હતા.


