અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
રાજકોટ સહિત દરેક જિલ્લામાં મિલકત ખરીદીના સોદાની તપાસ માટે સીટની રચના કરાશે : સમિતિમાં કલેકટર, મ્યુનિ.કમિશનર સહિતનાનો સમાવેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત વિધાનસભામાં ‘અશાંતધારા સુધારા વિધેયક’ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ગૃહમાં ચાલેલી લાંબી ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી મળી છે. આ નવા ફેરફારો મુજબ, હવે અશાંતધારા હેઠળના વિસ્તારોને ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે ઓળખવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું પગલું ભરતા ‘ગુજરાત અશાંતધારા સુધારા વિધેયક’ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ગૃહમાં ચાલેલી લાંબી અને ગંભીર ચર્ચા બાદ આ વિધેયકને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ નવા સુધારાનો મુખ્ય હેતુ અશાંત વિસ્તારોમાં થતી મિલકતોની ગેરકાયદેસર હેરફેરને રોકવાનો અને વસ્તીના સંતુલનને જાળવી રાખવાનો છે.
આ વિધેયક પસાર થવાથી હવે અશાંતધારાના નિયમોમાં ફેરફારો થશે. ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા પસાર થતા અત્યાર સુધી જે વિસ્તારો ‘અશાંતધારા’ હેઠળ આવતા હતા, તેને હવે કાયદાકીય રીતે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે ઓળખવામાં આવશે. સાથે જ કોઈ પણ વ્યક્તિએ આ વિસ્તારોમાં ઘર કે દુકાન વેચવી હોય, તો તેના માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી હવે ફરજિયાત બનશે. જો કોઈ વ્યક્તિ આ કાયદાના નિયમોનો ભંગ કરીને ખરીદ-વેચાણનો સોદો કરે છે, તો તેને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-2026 રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.
આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ વિશે વાત કરતાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ કહ્યું કે, સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. હવે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે.
જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, તેવા વિસ્તારને પણ કાયદાની જોગવાઈઓ અનુસાર ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકાશે. મિલકતના રક્ષણ માટે કલેક્ટર ‘સુઓ મોટો’ (સ્વતઃ સંજ્ઞાન) અથવા કોઈપણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતની તબદીલી વાંધાજનક જણાશે, તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે. લોકોની આર્થિક હાડમારી દૂર કરવા માટે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે મુજબ નિર્દિષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન કે સહાય મેળવી શકશે. નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબતે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી છે.
આ સુધારા દ્વારા રાજ્ય સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતધારકોના અધિકારોનું રક્ષણ કરી, સામાજિક સદભાવ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
સરકાર દ્વારા મિલકતોના સોદામાં પારદર્શિતા લાવવા માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદ-વેચાણના સોદાની તપાસ માટે SIT બનાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને પોલીસ વડા SITની મદદ લઈ શકશે. આ ટીમ તપાસ કરશે કે સોદો કોઈના દબાણમાં કે ગેરકાયદેસર રીતે તો નથી થયો ને? અને નિયમ વિરુદ્ધનો સોદો રદ થાય છે, તો મૂળ માલિકને મિલકત પરત આપવામાં આવશે.
નવા નિયમો અનુસાર, જો કોઈ સોદો નિયમ વિરુદ્ધનો જણાશે, તો તે સોદાને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, તે મિલકત તેના મૂળ માલિકને પરત સોંપવાની જોગવાઈ પણ આ સુધારા વિધેયકમાં કરવામાં આવી છે.


