ભવ્ય શોભાયાત્રા બાદ નૈવેદ્ય મહાપ્રસાદનો લાભ લેતા જ્ઞાતિજનો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલમાં ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે સમસ્ત વાણંદ સમાજ દ્વારા શ્રી લિમ્બચ માતાજીના સાનિધ્યમાં ભવ્ય હવનોત્સવ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ અને આસ્થાના અનોખા સંગમ સાથે સમગ્ર વાણંદ સમાજ ઉમટી પડ્યો હતો.
ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે સવારે માતાજીનો શાસ્ત્રોક્ત વિધિ સાથે હવન યોજાયો હતો. ત્યારબાદ બપોરે લિમ્બચ માતાજીના મંદિરેથી ડી.જે.ના તાલે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. જેમાં ઘોડેસવારો, બાઈક સવારો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે જેતપુર રોડ સ્થિત દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી, જ્યાં માતાજીના નૈવેદ્ય અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્ઞાતિ અગ્રણી પ્રવિણભાઈ બગથરિયાએ 25 વર્ષ પૂર્વે માનતા માની હતી કે જ્યાં સુધી સમાજની માલિકીની જગ્યા (મંદિર) પરત નહીં મળે ત્યાં સુધી તેઓ પગરખાં નહીં પહેરે. ગઈકાલે તેઓએ મોંઘીબા સ્કૂલથી મંદિર સુધી દંડવત પ્રણામ કર્યા હતા. સમાજને મંદિરની જગ્યા અને ચાવી સોંપાતા, મહાનુભાવો હસ્તે તેમને બૂટ પહેરાવી, હાર તોરા કરી ‘જ્ઞાતિ રત્ન શિલ્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.


