રૂ.2000ના ખર્ચાને લઈ દંપતી વચ્ચે ઝઘડો થયો, ખાર રાખી ત્રણેય આરોપીઓએ હુમલો કર્યો; લાશ વાડીમાં ફેંકી દેતા પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામની સીમમાં એક હ્રદયદ્રાવક અને લોહિયાળ બનાવ સામે આવ્યો છે, જેમાં સસરા અને સાળાએ મળીને પોતાના જમાઈની નિર્દય હત્યા કરી નાખી હતી. ઘરેલુ કલહ અને નાની લાગતી બાબતથી શરૂ થયેલો ઝઘડો અંતે જીવલેણ સાબિત થયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી માનસિંગ દહેદીયા (ઉંમર અંદાજે 35 વર્ષ) પડધરી નજીક ખોડાપીપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા હતા. તેમના પરિવારમા પત્ની કરમા સહિત ચાર પુત્ર અને બે પુત્રી છે. માનસિંગ અને તેમની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરસંબંધિત મુદ્દાઓને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. ખાસ કરીને પૈસા ખર્ચવા અને ખેતીના કામને લઈને મતભેદ રહેતા હતા. આ ઉપરાંત, માનસિંગ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવતાં હોવાથી પણ પતિ-પત્ની વચ્ચે તણાવ વધતો હતો. પરિણામે તેમની પત્ની કરમા ઘણીવાર પોતાના પિતા વેરસિંહ બુડેળીયા પાસે જઈ રહેતી હતી, જે પણ નજીકની જ વાડીમાં મજૂરી કામ કરતા હતા.
ઘટના મુજબ, ગયા તારીખ 23ના રોજ કરમાએ પોતાના પિતા પાસેથી રૂ.2000 લઈ પડધરીની સોમવારી બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી પૂર્ણ કરી પરત વાડી પર આવી ત્યારે તમામ રૂપિયા ખર્ચી નાખવા બાબતે માનસિંગ અને કરમા વચ્ચે ફરી એકવાર ઉગ્ર ઝઘડો શરૂ થયો હતો. આ ઝઘડો વાડીની બહાર રોડ પર ચાલતો હતો, જેના કારણે આજુબાજુના લોકોનું ધ્યાન પણ આ તરફ ગયું હતું.ઝઘડાનો અવાજ સાંભળીને નજીકમાં જ રહેતા કરમાના પિતા વેરસિંહ બુડેળીયા અને તેનો ભાઈ રમેશ ત્યાં દોડી આવ્યા હતા. તેમની સાથે તેમનો પરિચિત ધર્મેશ પઘમભાઈ ચીકલકુરિયા પણ હાજર હતો.
પ્રાથમિક રીતે વાત સમજાવવાની જગ્યાએ ત્રણેય આરોપીઓ ગુસ્સે ભરાઈ ગયા હતા અને માનસિંગ પર તૂટી પડ્યા હતા. તેમણે લાકડીઓ અને ધોકા વડે માનસિંગના માથા પર વારંવાર પ્રહાર કર્યા હતા. ગંભીર ઇજાઓને કારણે માનસિંગ સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને થોડા જ સમયમાં તેનું મોત નિપજ્યું હતું.
હત્યાની ઘટના બાદ આરોપીઓએ ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ માનસિંગની લાશને ઢસડીને નજીકની જ એક વાડીમાં લઈ ગયા હતા અને ત્યાં ફેંકી દીધી હતી, જેથી કોઈને તરત જાણ ન થાય. જોકે, બાદમાં લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ફોરેન્સિક તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ, માનસિંગના માથામાં બોથડ પદાર્થના ગંભીર ઘા લાગવાના કારણે તેમનું મોત થયું હતું.
આ મામલે મૃતકના પિતા શેકડીયાભાઈ નાન્સિયાભાઈ દહેદીયાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વેરસિંહ બુડેળીયા (સસરા), રમેશ બુડેળીયા (સાળો) અને ધર્મેશ ચીકલકુરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 238(એ) અને 351(3) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમા ચકચાર મચાવી દીધી છે.
આ બનાવમાં સૌથી હ્રદયદ્રાવક પાસું એ રહ્યું કે, માનસિંગ પર હુમલો તેની પત્નીની નજર સામે જ થયો હતો. આરોપીઓએ હુમલા બાદ કરમાને પણ ધમકી આપી હતી કે આ ઘટનાની કોઈને જાણ ન કરે, નહીંતર તેને પણ જાનથી મારી નાખવામાં આવશે. પડધરી પોલીસે ગુનો દાખલ કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાની તમામ પરિસ્થિતિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહી છે.


