નોકરી પર જતાં સમયે બાઈકને અકસ્માત નડતા ભોગ બન્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે એક દુર્ઘટનામાં હેલ્થ કેર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ સવજીભાઈ કાલરીયાનું દુઃખદ મોત નીપજ્યું હતું. તેઓ પોતાના નિવાસ સ્થાન જીવરાજ પાર્કથી નોકરી પર જવા નીકળ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, સંજયભાઈ (ઉંમર 65) સવારે આશરે 8 વાગ્યે બાઈક પર નોકરી માટે જતા હતા. તે દરમિયાન મવડી કણકોટ રોડ પર હીલસ્ટોન અરીસ્ટો આગળ આવેલ ગણેશ ચોક પાસે પુરપાટ ઝડપે દોડી આવેલી કારએ તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સંજયભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, સંજયભાઈ પાન હેલ્થ કેર કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત હતા અને રોજની જેમ આજે પણ કામે જવા નીકળ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
મૃતકને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


