ઇંધણની કટોકટીને પહોંચી વળવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
૬૦ દિવસ માટે કેરોસીનના વેચાણના નિયમો હળવા કરાયા : ગુજરાત, દિલ્હી, હરિયાણા સહિત ૨૧ રાજયોમાં વેંચાણ શરૂ કરાશે
રાજકોટ સહિતના જિલ્લામાં વધુમાં વધુ બે પેટ્રોલપંપની પસંદગી કરી વેંચાણની પરવાનગી અપાશે : સેફટી નિયમોનું પાલન કરવા તાકીદ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષના કારણે આખી દુનિયામાં તેલ અને ગેસના સપ્લાયની સાંકળ ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. દેશમાં સર્જાયેલી આ LPG (રાંધણગેસ) અને ઈંધણની કટોકટીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લોકોના ઘરોમાં રસોઈ માટે બળતણની અછત ન સર્જાય તે માટે સરકારે 60 દિવસ પૂરતા કેરોસીનના વેચાણને લગતા નિયમો હળવા કર્યા છે. હવે ગુજરાત, દિલ્હી અને હરિયાણા સહિતના 21 રાજ્યોમાં પસંદગીના પેટ્રોલ પંપ અને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS – રેશનની દુકાનો) મારફતે ફરીથી કેરોસીનનું વેચાણ શરૂ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 29 માર્ચે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ, દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી 60 દિવસ માટે ‘સુપિરિયર કેરોસીન ઓઇલ (SKO)’ ના ઇમરજન્સી (એડ-હોક) સપ્લાયને મંજૂરી આપવામાં આવી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય જનતાને રાંધવા કે લાઈટ માટે ઈંધણની કોઈ અછત ન પડે.
સરકારે લીધેલા આ નવા નિર્ણય મુજબ, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ચાલતા અમુક પસંદગીના પેટ્રોલ પંપોને કેરોસીનનો સ્ટોક રાખવા અને તેનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે દરેક જિલ્લામાં વધુમાં વધુ બે પેટ્રોલ પંપ નક્કી કરવામાં આવશે અને દરેક પંપ મહત્તમ 5,000 લિટર કેરોસીનનો સંગ્રહ કરી શકશે.
કેરોસીનનો સપ્લાય ઝડપી બને તે માટે સરકારે ડીલરો અને ટ્રાન્સપોર્ટના વાહનોને ‘પેટ્રોલિયમ નિયમો, 2002’ ની અમુક કડક લાયસન્સ જોગવાઈઓમાંથી મુક્તિ આપી છે. જોકે, સરકારે ખાસ તાકીદ કરી છે કે આ કેરોસીનનો ઉપયોગ માત્ર અને માત્ર ઘરેલું કામ (જેમ કે રસોઈ બનાવવા કે લાઈટ માટે) જ થવો જોઈએ, તેનો કોઈ દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં.
આ નિર્ણયના ભાગરૂપે, જે વિસ્તારોમાં અગાઉ કેરોસીનનું વેચાણ તબક્કાવાર બંધ કરી દેવાયું હતું, ત્યાં પણ PDS (રેશન કાર્ડ) મારફતે હંગામી ધોરણે સપ્લાય ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ આખી પ્રક્રિયા દરમિયાન પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (PESO) ના સેફ્ટી નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
કેન્દ્ર સરકારે નિર્ણય લીધો કે કેરોસીન તેલ રેશનની દુકાનો તેમજ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ રહેશે. સરકારી તેલ કંપનીઓને પેટ્રોલ પંપ પરથી કેરોસીન વેચવાની પરવાનગી આપવામાં આવી છે. હવે, બીજો એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે પેટ્રોલ પંપ પર સિલિન્ડર વેચવામાં આવશે. નાના વ્યાપારી અને ઘરેલું સિલિન્ડર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર વેચવામાં આવશે. લોકો આ 5 કિલોના સિલિન્ડર પેટ્રોલ પંપ પરથી ખરીદી શકશે.
સપ્લાય પર નજર રાખવા બની ખાસ કમિટીઓ અને કંટ્રોલ રૂમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વિડીયો કોન્ફરન્સ બાદ, રાજ્ય સરકારે તરત જ પોતાનો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્ર સરકાર સાથે સીધા સંપર્કમાં રહેવા અને સપ્લાય ચેન જાળવી રાખવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 16 સભ્યોની એક ‘સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન કમિટી’ બનાવવામાં આવી છે. આ જ રીતે, દરેક જિલ્લામાં સ્થાનિક કલેક્ટરની અધ્યક્ષતામાં 11 સભ્યોની કમિટી કામ કરશે.
લોકોની સુવિધા માટે દરેક જિલ્લામાં 24 કલાક કાર્યરત રહે તેવા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. આ કમિટીઓનું મુખ્ય કામ એ જોવાનું રહેશે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અનાજ જેવી રોજબરોજની વસ્તુઓ સામાન્ય જનતા સુધી પહોંચવામાં કોઈ જ અડચણ ન આવે.
શ્રમિકો, બંદરો અને બિનનિવાસી ગુજરાતીઓ માટે ખાસ વ્યવસ્થા
માલસામાનની હેરફેર અટકે નહીં તે માટે રાજ્યના બંદરો (પોર્ટ્સ) પર કાર્ગોનું સંચાલન સ્મૂધ રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ વૈશ્વિક સંકટની અસર સામાન્ય શ્રમિકો પર ન પડે અને તેમને સમયસર તેમનું મહેનતાણું મળી રહે તે જોવાની સૂચના પણ સંબંધિત અધિકારીઓને અપાઈ છે. આ ઉપરાંત, વિદેશમાં વસતા આપણા બિનનિવાસી ગુજરાતીઓ (NRI) ને જો આ સમયમાં કોઈ મદદની જરૂર પડે, તો તેમના માટે એક ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.
આ મહત્વની બેઠકમાં મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, રમણભાઈ સોલંકી, મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પોતાના સૂચનો આપ્યા હતા.


