અમદાવાદમાં યોજાયેલી સભામાં સરકાર પર આકરા પ્રહાર : અંતિમ ઘડીએ પોલીસે પરમિશન રદ કરી : વિવિધ મુદ્દે ભાજપનો ઘેરાવ
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના CWC સભ્ય કનૈયા કુમાર હાજર રહ્યા હતા. અગાઉ બહેરામપુરા ખાતે યોજાનાર આ કાર્યક્રમને પોલીસે આપેલી પરમિશન અચાનક રદ કરતાં અંતે સ્થળ બદલવું પડ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યોજાયેલી આ સભામાં કનૈયા કુમારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર તીખા પ્રહાર કરતા EVM, ED, લોકશાહી અને ગુજરાત મોડલ જેવા મુદ્દાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
અચાનક જ પોલીસ પરમિશન રદ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા કારણ કે, જાહેર સભાની સાથે સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં કનૈયા કુમારનું ઢોલ નગારા સાથે કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ જતા રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર તે પહેલા જ રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ થયા છે. જેથી રાજીવ ગાંધી ભવન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો.
CWC સભ્ય કનૈયા કુમારે જણાવ્યું હતું કે, ગુજરાત મોડલ બિહારમાં લાગુ કરવામાં આવ્યું છે. શાંતિપૂર્વક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું રાજીનામુ લેવામાં આવ્યું ત્યારે મને વિજય રૂપાણીની યાદ આવી ગઈ હતી. જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી રિમોટ અમિત શાહના હાથમાં છે. જે લોકો પાસે ED અને CD છે તે લોકો પાસે જ રિમોટ છે. જે મોડલ અમદાવાદમાં છે તે જ પટનામાં લાગુ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જગ્યાએ વિદેશમાં વધારે રહે છે. અમારું કાર્યક્રમનું આયોજન પણ પોલીસ દ્વારા કેન્સલ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ ગયા ત્યારે કહેતા હતા કે મને પંજાબ આવીને ડર લાગે છે.
સરકાર પર પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, જો કે હવે તેમણે અમદાવાદ આવતા પણ ડર લાગી રહ્યો છે. જ્યાં EVM માં ગોટાળો નહીં થાય ત્યાં અમે ચૂંટણી જીતીશું. ત્રણ ત્રણ વખત પ્રધાનમંત્રી બન્યા છે છતાં પણ ઘૂસણખોરને બહાર કાઢી નથી શક્યા. દેશની સુરક્ષા કરવાનું કામ જય શાહના પિતાનું છે. આતો એવી બાબત થઈ ગઈ કે જેની સુરક્ષામાં દૂધ રાખવામાં આવ્યું હતું તે એવું કહે છે કે દૂધની ચોરી થઈ ગઈ છે. દેશમાં જો ઘૂસણખોરી થઈ ગઈ છે તો તેના માટે કેન્દ્ર સરકાર જ જવાબદાર છે. પરંતુ તેમના મિત્રને સંપતિમાં જે ઘૂસણખોરી કરાવી છે તે લોકોને દૂર કરવા જોઈએ.
વધુમાં કનૈયા કુમારે જણાવ્યું હતું કે, કાર્યક્રમની પરમિશન રદ કરવામાં આવતા કાર્યક્રમ રાજીવ ગાંધી ભવન પર કરવો પડી રહ્યો છે. સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં સંવિધાનની શું સ્થિતિ છે તેને લઈને વાત કરવા માટે આવ્યો છું. તમામ જગ્યાએ સરકાર ભાજપની છે. પ્રધાનમંત્રી મોદી આખા દેશમાં ડિજિટલ પ્રચારની વાતો કરે છે. પરંતુ ગુજરાત વિધાનસભાનું રેકોર્ડિંગ કરવામાં આવતું નથી. એવું તો ધારાસભ્ય શું કરે છે કે તેનું રેકોર્ડિંગ કરવામાં આવતું નથી. અત્યારે રોજ ભાજપના એક બાદ એક નેતાની CD આવી રહી છે. મહિલાઓ સુરક્ષિત હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવે છે. અમારા ત્યાં ઉંદર દારૂ પીવે છે કે તમારા ત્યાં ઉંદર ડ્રગ્સ ખાય છે. અવારનવાર પોર્ટ પર ડ્રગ્સ પકડાય છે. કેટલો હાઈફાઈ ઉંદર હશે કે ગુજરાતમાં પકડાયેલુ ડ્રગ્સ ખાઇ જાય છે.
અમારાથી ડર લાગવો ન જોઈએ: કનૈયા
કનૈયા કુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ આવીને પ્રધાનમંત્રી મોદીને સીધો સવાલ કરીએ છીએ. તમે તો કહેતા હતા કે મને પંજાબમાં ડર લાગે છે પરંતુ તમને તો હવે અમદાવાદમાં પણ ડર લાગી રહ્યો છે. અમારા કાર્યક્રમની પરમિશન કેમ કેન્સલ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે. એક તરફ ભાજપ એવું કહે છે કે, કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે. જો અમે ખતમ જ થઈ ગયા છીએ તો પછી અમારાથી ડર કઈ વાતનો લાગી રહ્યો છે. નાગરિકો ભાજપની લાકડી થી ડરવાનો બંધ ન કરી દે તેનો ભાજપને ડર લાગી રહ્યો છે.


