રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
ગ્રામીણ વિસ્તારોમાં જૂની જર્જરીત ટાંકીઓ તોડી પાડવા એન્જિનિયરોની કમિટી રચવા સૂચના
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ કામોને મંજૂરી અપાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક ગતરોજ સાંજે ક્લેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ૧૭ ગામોમાં પાણી પુરવઠાનું માળખું સુદ્રઢ બનાવવા માટે રીજુવેનેશન કાર્યક્રમ હેઠળ રૂ. ૩૮.૯૭ લાખના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે આ ગામોમાં પીવાના પાણીની સુવિધામાં નવા બોરના શારકામ, પમ્પિંગ મશીનરી, હયાત બોર અને સંપ પર પમ્પિંગ મશીનરી સહિતના કામો કરવામાં આવશે. આ સાથે અગાઉની બેઠકમાં મંજુર કરેલા કામોની સમીક્ષા કરવામાં આવી. જેમાં ઉનાળાના સમયમાં પાણીની તકલીફ ન પડે તે અંગે પણ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
ઉક્ત બેઠકમાં વાસ્મો કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. જેમાં ગ્રામ પંચાયતોના પાણી વેરા વસુલાત, પંપ ઓપરેટર તાલીમો, ગ્રામ્ય ક્ક્ષાએ પાણી ટેસ્ટીંગ કામગીરી, જલ અર્પણ ઉત્સવ ઉજવણી તેમજ વાસ્મો હેઠળ મંજુર થયેલા કામોની વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં જૂની જર્જરીત થઈ ગયેલી અને જોખમી પાણીની ટાંકીને તોડી પાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ દ્વારા અલગ અલગ વિભાગના જેમ કે, જિલ્લા પંચાયત, સિંચાઈ આર.એન્ડ બી.અને પી.આઈ.યુ. પાણી પુરવઠા, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વાસ્મો વગેરે કાર્યપાલક ઈજનેરોની કમિટી બનાવીને, બેઝીક અપસેટ પ્રાઈઝ નક્કી કરવા સુચના આપવામાં આવી. જેથી ઉક્ત ભાવ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત મારફતે પંચાયતના નિયમાનુસાર ટાંકી તોડી પાડવા અંગેની કાર્યવાહીને આગળ વધારવા અંગે સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનેર(સિંચાઈ)ના વિવેક ગોહિલ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર અંકિત ગોહિલ અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર દીપક બારિયા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


