દલિત યુવાન હત્યા કેસ અને કથિત પત્રકારના આક્ષેપ મામલે રાજકોટ ગરમાયું
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
જિગ્નેશ મેવાણીએ DCP બાંગરવા સામે જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો સામે શહેરીજનોની આકરી પ્રતિક્રિયા
પોલીસ સમન્વય સમિતિની અધ્યક્ષતામાં યોજાયેલ રેલીમાં “બાંગરવા આગળ વધો”ના નારા ગૂંજ્યા
પગપાળા, બાઈક, રિક્ષા, કાર સાથે બહુમાળીથી નીકળેલી રેલી પોલીસ કમિશનર અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ આવેદન પાઠવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં દલિત યુવાનની હત્યા અને કહેવાતા કથિત પત્રકાર દ્વારા કરાયેલા આક્ષેપો સાથે DCP બાંગરવા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા બાદ સર્જાયેલા તણાવને રાજકીય રંગ ચઢતા પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને પગલે એક તરફ ન્યાયની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ કથિત પત્રકાર દ્વારા કરવામાં આવેલા મારામારીના આક્ષેપો અને તેના આધારે ઉભા કરાયેલા વાતાવરણને કારણે પોલીસ તંત્ર સામે જાણે એક પ્રકારનું અવિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ થયો હોય તેવી ચર્ચા શહેરમાં વ્યાપક રીતે ચાલી રહી છે.
આ સમગ્ર મામલે રાજકીય પ્રતિક્રિયાઓએ પણ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજકોટ દોડી આવ્યા હતા અને તેમણે જાહેર મંચ પરથી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મેવાણીએ પોલીસ તંત્રને દમનકારી અને અત્યાચારી ગણાવતા બાંગરવાને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરી હતી. પરંતુ મેવાણીના આ નિવેદનો બાદ શહેરમાં એક અલગ જ પ્રતિક્રિયા જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા કરાયેલી કામગીરીને ધ્યાનમાં લેતા મોટા પ્રમાણમાં લોકો બાંગરવાના સમર્થનમાં આગળ આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચર્ચા ચાલી રહી છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક અને નીડર અધિકારીઓની જરૂર હોય છે, અને બાંગરવાએ તે દિશામાં અસરકારક કામગીરી કરી છે.
છેલ્લા ચાર માસ દરમિયાન શહેરમાં લુખ્ખા તત્વો સામે પોલીસે ચલાવેલા અભિયાનને લોકો યાદ કરી રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા માથાભારે તત્વો સામે સતત કાર્યવાહી થતાં શહેરમાં કાયદાનો ડર ફરી સ્થાપિત થયો છે તેવી સામાન્ય લોકોની માન્યતા છે. “મૂછે લીંબુ લટકતા” કહેવાતા તત્વો પણ હવે કાયદાના ભય હેઠળ આવી ગયા છે, તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે.
આ પૃષ્ઠભૂમિ વચ્ચે ડીસીપી બાંગરવાના સમર્થનમાં પોલીસ સમન્વય સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂંકા ગાળામાં જ આ રેલીને ભારે પ્રતિસાદ મળ્યો હતો. જાહેરાત થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો લોકો બહુમાળી ચોક ખાતે એકત્રિત થયા હતા.
રેલી દરમિયાન “જગદીશ બાંગરવા આગળ વધો, અમે તમારી સાથે છીએ” જેવા નારા ગૂંજતા સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. લોકોના ઉમટેલા જનસાગરને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રેલીમાં સામાન્ય નાગરિકો, સામાજિક આગેવાનો, યુવાનો, કાર્યકરો અને મીડિયા જગતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બહુમાળી ભવનથી શરૂ થયેલી આ રેલી પગપાળા તેમજ બાઇક, રિક્ષા અને ફોરવ્હીલ વાહનો સાથે આગળ વધી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી હતી. ત્યાં રેલીકારોએ આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. બાદમાં કલેક્ટર કચેરીએ પણ આવેદન પાઠવી DCP બાંગરવા સામે થયેલા આક્ષેપો અંગે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
રેલીમાં જોડાયેલા લોકોનો એક જ સૂર હતો કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બાંગરવા જેવા અધિકારીઓની જરૂર છે. લુખ્ખા તત્વોને ડામવા માટે કડક પોલીસિંગ જ એકમાત્ર ઉપાય છે, તેવી લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી.
પોલીસ સમન્વય સમિતિએ પણ સમગ્ર ઘટનાને લઈને નિવેદન જાહેર કર્યું હતું. સમિતિએ દલિત યુવાનની હત્યાની નિંદા કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને આરોપીઓને કડક સજા થવી જોઈએ. પરંતુ સાથે જ સમિતિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેટલાક તત્વો આ ઘટનાનો ગેરફાયદો ઉઠાવી લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કથિત પત્રકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે અને તેનાથી પોલીસ તંત્રની છબી ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. તથ્યો વગરના આક્ષેપો કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એવો કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો.
શહેરમાં વધતા આ રાજકીય અને સામાજિક તણાવ વચ્ચે સામાન્ય લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે કે ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. દલિત યુવાનને ન્યાય મળે તે સાથે સાથે પોલીસ તંત્ર પર ખોટા આક્ષેપો કરનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. કેટલાક નાગરિકોનું માનવું છે કે કોઈપણ ઘટનાને આધારે તાત્કાલિક રાજકીય નિવેદનો આપવાથી પરિસ્થિતિ વધુ બગડે છે. તેઓ કહે છે કે, સત્ય બહાર આવે તે પહેલાં જ પોલીસને નિશાન બનાવવું યોગ્ય નથી. બીજી તરફ, મેવાણીના સમર્થકોનું માનવું છે કે દલિત સમાજ સાથે થયેલા અત્યાચારના મામલાઓમાં સખત અવાજ ઉઠાવવો જરૂરી છે. તેઓ માને છે કે આ પ્રકારની ઘટનાઓમાં સંવેદનશીલતા દાખવવી જોઈએ અને પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠાવવો લોકશાહીનો ભાગ છે.
આ રીતે સમગ્ર મામલો હવે બે જુદા દ્રષ્ટિકોણ વચ્ચે વહેંચાઈ ગયો છે. એક તરફ પોલીસની કામગીરીને સમર્થન આપતો વર્ગ છે, જ્યારે બીજી તરફ પોલીસની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવતો વર્ગ છે. હાલની સ્થિતિમાં પોલીસ તંત્ર માટે સૌથી મોટી પડકારજનક બાબત એ છે કે તેઓ નિષ્પક્ષ તપાસ દ્વારા સત્ય બહાર લાવે અને બંને પક્ષોમાં વિશ્વાસ સ્થાપિત કરે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પણ આ જરૂરી બની ગયું છે.
આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ગુનાહિત ઘટના પછી માત્ર કાયદેસરની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ સામાજિક અને રાજકીય સ્તરે ઉભા થતા પ્રશ્નોને પણ સંવેદનશીલ રીતે હલ કરવાના રહે છે.
રાજકોટ શહેરમાં હાલની પરિસ્થિતિ એક પ્રકારની કસોટી સમાન બની ગઈ છે, પોલીસ તંત્ર માટે, રાજકીય નેતાઓ માટે અને સમાજ માટે પણ. આગામી દિવસોમાં તપાસ શું વળાંક લે છે, આરોપીઓ સામે શું કાર્યવાહી થાય છે અને રાજકીય તણાવ કેવી રીતે શમે છે તે સમગ્ર રાજ્ય માટે મહત્વપૂર્ણ બનવાનું છે.
મેડિકલ રિપોર્ટમાં DCP બાંગરવા સામેના આરોપો ખોટા સાબિત થયા ; ખંડણીખોરના આક્ષેપોનો ભાંડો ફૂટી ગયો છે
રાજકોટ શહેરમાં પોતાને પત્રકાર તરીકે રજૂ કરતો અને ખંડણીઓ ઉઘરાવવાના આક્ષેપોનો સામનો કરતો સુરેશ વડેચા હવે પોતાનાં જ નિવેદનોને કારણે વિવાદના ઘેરામાં આવી ગયો છે. પોલીસની કાર્યવાહી બાદ સુરેશ વડેચાએ ગંભીર આક્ષેપો કર્યા હતા, પરંતુ તાજેતરમાં થયેલા મેડિકલ રિપોર્ટમાં તેની વાતો ખોટી સાબિત થતાં સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે.
માહિતી મુજબ, સુરેશ વડેચા પોલીસના સાણસામાં સપડાયા બાદ પોતાનો વધુ ભાંડો ફૂટશે તેવો ભય થતાં હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. બાદમાં તેણે સોશિયલ મીડિયા મારફતે સમગ્ર ગુજરાતમાં પોતાને થયેલા અત્યાચારની વાત ફેલાવી હતી, જેના કારણે મામલો ઝડપથી ચર્ચામાં આવ્યો હતો.
આ ઘટનાને રાજકીય રંગ પણ ચઢ્યો હતો. 27 માર્ચના રોજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સુરેશ વડેચાને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન સુરેશ વડેચાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ તેને પટ્ટાથી માર માર્યો હતો, કપડા ઉતરાવી ટીંગાડી દીધો હતો અને તેના ગુદાના ભાગે પેટ્રોલ નાખવામાં આવ્યું હતું.
આ ગંભીર આક્ષેપોને પગલે મામલો વધુ ગરમાયો હતો અને પોલીસ તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, આક્ષેપોની સચ્ચાઈ જાણવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સુરેશ વડેચાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) કરવામાં આવ્યું હતું. તબીબી તપાસના રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે આક્ષેપોથી સંપૂર્ણપણે વિપરીત છે. રિપોર્ટ મુજબ દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી મળી નથી. એટલું જ નહીં, કોઈ ગંભીર ઇજા, બ્લીડિંગ કે બર્નના નિશાન પણ નોંધાયા નથી., મેડિકલ રિપોર્ટ બહાર આવતા જ સુરેશ વડેચાના આક્ષેપો પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. પોલીસ વર્તુળોમાં ચર્ચા છે કે આક્ષેપો ખોટા અને ગેરમાર્ગે દોરનારા હતા. આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયામાં ફેલાયેલા દાવાઓની વિશ્વસનીયતા પર પણ સવાલ ઊભા કર્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તપાસ દરમિયાન આવા ખોટા આક્ષેપો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ શક્ય છે. બીજી તરફ, આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરીને લઈને ઉભા કરાયેલા પ્રશ્નોને પણ નવી દિશા આપી છે.
સમગ્ર ઘટનાક્રમને જોતા સ્પષ્ટ થાય છે કે, પ્રાથમિક રીતે કરવામાં આવેલા આક્ષેપો અને હકીકત વચ્ચે મોટો તફાવત છે. મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે પોલીસ પર લગાવવામાં આવેલા આરોપો ખોટા સાબિત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલો હવે માત્ર એક વ્યક્તિના આક્ષેપો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ ખોટી માહિતી ફેલાવવાના ગંભીર પ્રશ્નને પણ ઉજાગર કરે છે. આગળ પોલીસ શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું.
રાજકોટમાં ગુનાખોરી ડામવા DCP બાંગરવાનું રહ્યું છે મહત્વપૂર્ણ યોગદાન : 6 ગેંગ પર ગુજસીટોક, 85 આરોપી જેલમાં
રાજકોટ શહેરમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાનું મહત્વપૂર્ણ યોગદાન સામે આવી રહ્યું છે. એક તરફ તેમના વિરુદ્ધ રાજકીય આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના નાગરિકોમાં તેમની કામગીરીને લઈને ચર્ચા અને સમર્થન બંને જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયમાં શહેરમાં વધતી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને બાંગરવાએ ખાસ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં સક્રિય ગેંગો અને લુખ્ખા તત્વોને કાબૂમાં લેવાનો હતો. પરિણામે ટૂંકા ગાળામાં જ પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી અને ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવાયા.
આ અભિયાન અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા કુલ છ અલગ-અલગ ગેંગ સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી માત્ર કાગળ પર મર્યાદિત રહી નથી, પરંતુ તેના સ્પષ્ટ પરિણામો પણ સામે આવ્યા છે. પોલીસ દ્વારા આ ગેંગના સભ્યોને પકડી જેલમાં ધકેલવામાં આવ્યા છે, જેના કારણે શહેરમાં ગુનાખોરીના માહોલ પર અસર જોવા મળી રહી છે.
વિગતો મુજબ, પેંડા ગેંગના 21 આરોપીઓ, મુર્ગા ગેંગના 19, બાટલી ગેંગના 19, ઑડીયા ગેંગના 11, ચડ્ડી-બનિયાન ગેંગના 11 અને ઈભલા ગેંગના 7 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આમ કુલ 85 આરોપીઓને ગુજસીટોક હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
પોલીસના આ પગલાંને કારણે શહેરમાં સક્રિય ગેંગોની ગતિવિધિઓ પર અસર પડી છે. ઘણા વિસ્તારોમાં લોકોમાં સુરક્ષાની લાગણી વધી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
શહેરના નાગરિકોનું કહેવું છે કે અગાઉ કેટલાક ગેંગો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હતા, પરંતુ હવે પોલીસની કડક કાર્યવાહીથી આવા તત્વો પર અંકુશ આવ્યો છે. કાયદો શું છે તે હવે સમજાઈ રહ્યું છે, એવી પ્રતિક્રિયા પણ કેટલાક લોકો દ્વારા આપવામાં આવી રહી છે.
આ દરમિયાન ડીસીપી બાંગરવા સામે કેટલાક રાજકીય આક્ષેપો પણ થયા છે, પરંતુ તેમના સમર્થકોનું માનવું છે કે ગુનાખોરી સામે લડતા અધિકારીઓને નિશાન બનાવવું યોગ્ય નથી. તેઓ કહે છે કે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કડક પોલીસિંગ જરૂરી છે અને બાંગરવાએ તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસ તંત્રનું કહેવું છે કે ગુનાખોરી સામેનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે અને કોઈપણ ગેંગ અથવા ગુનાખોરને બખ્શવામાં નહીં આવે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. સમગ્ર પરિસ્થિતિ જોતા કહી શકાય કે રાજકોટમાં ગુનાખોરી સામે ચાલી રહેલા આ અભિયાનમાં ડીસીપી બાંગરવાના નેતૃત્વ હેઠળ પોલીસ તંત્રે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.


