અમદાવાદના ઓશિયા મોલના માલિકે આચાર્યુ રૂ.૨૫૦ કરોડનું મોટુ કૌભાંડ
૨૬૭ વેપારીઓનું ફૂલેકુ ફેરવી દંપતિ ફરાર
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદમાં ઓશિયા મોલના માલિકો દ્વારા માલ સપ્લાય કરતા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા કે જેઓ ધીરજ ચોપડા તરીકે પણ ઓળખાય છે, તેમજ તેમની પત્ની કવિતા ચોપરા વેપારીઓનું આશરે ₹250 કરોડ કરતાં પણ વધુ રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. છેલ્લા 8 મહિનાથી પેમેન્ટ ન મળતાં અને આપેલા ચેકો પણ બેંકમાં બાઉન્સ થતાં આખરે 267 જેટલા ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં અરજી કરી છે અને સરકાર પાસે પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા ન્યાયની ગુહાર લગાવી છે.
ઓશિયા મોલમાં અલગ-અલગ પ્રોડક્ટ્સ સપ્લાય કરતા વેપારીઓ છેલ્લાં ઘણાં વર્ષોથી નિયમિત રીતે માલ આપતા હતા. જોકે, છેલ્લા 8 મહિનાથી વેપારીઓને પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દેવાયું હતું. જ્યારે વેપારીઓએ માલિક ધીરેન્દ્ર ચોપરાનો સંપર્ક કર્યો, ત્યારે તેણે થોડા દિવસોમાં તમામ પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપી હતી અને ખાતરીના ભાગરૂપે એડવાન્સ ચેક પણ આપ્યા હતા. લાંબા સમય સુધી નાણાં ન મળતાં જ્યારે વેપારીઓએ આ ચેક બેંકમાં જમા કરાવ્યા, ત્યારે એક પછી એક તમામ ચેક બાઉન્સ થતાં માલિકોની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
વેપારીઓનો આક્ષેપ છે કે, છેતરપિંડી આચર્યા બાદ માલિક ધીરેન્દ્ર ચોપરા સહિતના તમામ જવાબદારો ફરાર થઈ ગયા છે. મોલમાં માલ સપ્લાય કરાવનાર મેનેજરોના ફોન પણ સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે. વધુમાં, ઓશિયા મોલ હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં પહોંચી ગયો હોવાથી વેપારીઓની ચિંતા બેવડાઈ છે. અમુક મોલની પ્રોપર્ટીના ભાડાના રૂપિયા ચૂકવવાના પણ બાકી હોવાનું સામે આવ્યું છે. હાલમાં અમદાવાદના 267 વેપારીઓએ સત્તાવાર રીતે ક્લેમ દાખલ કર્યો છે, જ્યારે હજુ પણ ઘણા એવા નાના વેપારીઓ છે, જેમણે ક્લેમ સુધ્ધાં કર્યો નથી.


