મિત્ર સાથેના ઝઘડાના બીજા જ દિવસે યુવકનો રહસ્યમય રીતે ગળેફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
લક્ષ્મીનગરમાં બહારથી બંધ રૂમમાંથી મૃતદેહ મળતા પરિવારનો હત્યાનો આક્ષેપ; મિત્ર દ્વારા મારપીટ અને ધમકીની શંકા, ફોરેન્સિક તપાસ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં 34 વર્ષીય રિક્ષાચાલક યુવકનો પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બનાવને વધુ રહસ્યમય બનાવતી બાબત એ છે કે મૃતદેહ જે રૂમમાંથી મળ્યો હતો તેનો દરવાજો બહારથી બંધ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. મૃતકના પિતાએ આ ઘટનામાં હત્યાની શંકા વ્યક્ત કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ લક્ષ્મીનગર શેરી નં. 2માં રહેતા અમિત ગોવિંદભાઈ ભોજાણી (ઉં.વ. 34) આજે સવારે તેમના નિવાસસ્થાને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનો દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી, પરંતુ તબીબોએ સ્થળ પર જ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના પિતા ગોવિંદભાઈ ભોજાણીના જણાવ્યા અનુસાર, અમિત રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પત્ની અને બે સંતાનો છેલ્લા બે દિવસથી માવતરે ગયા હોવાથી તે ઘરમાં એકલો હતો. ગઈ રાત્રે અમિતનો તેના મિત્ર કૃણાલ સાથે કોઈ કારણસર ઉગ્ર ઝઘડો થયો હતો. બંને મિત્રો હોવા છતાં બોલાચાલી બાદ કૃણાલે અમિતને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
સવારે અમિતને જગાડવા માટે પિતા તેના ઘરે પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ જોવા મળ્યો હતો. દરવાજો ખોલીને અંદર પ્રવેશતા અમિત લાકડાના ટેકામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેમને તાત્કાલિક નીચે ઉતારી પાડોશીઓ અને સગાસંબંધીઓને જાણ કરવામાં આવી હતી.
પરિવારનું કહેવું છે કે જો અમિતે આત્મહત્યા કરી હોય તો રૂમ અંદરથી બંધ હોવો જોઈએ, પરંતુ દરવાજો બહારથી બંધ મળતા સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વધુમાં, ઘટનાના એક દિવસ પહેલાં થયેલી મારપીટ અને સંભવિત ધમકીના મુદ્દાઓ પણ તપાસના કેન્દ્રમાં આવ્યા છે. પોલીસે સ્થળ પંચનામું સહિતની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે મોત પાછળનું સાચું કારણ બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


