બાગેશ્વરબાબાના દિવ્ય દરબારમાં ધૂણવા અને હુમલાની ઘટના મામલે સુઓમોટો દાખલ કરો
રેસકોર્સના દિવ્ય દરબારમાં ‘ભૂત-પ્રેત’ના દાવા ચર્ચામાં ; ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ 10થી 15 લોકો ધૂણવા લાગ્યા હોવાનો દાવો
ધૂણતી મહિલાએ બાઉન્સર અને પત્રકારો પર હુમલો કર્યો, અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો મામલે સામાજિક કાર્યકર અને વિજ્ઞાન જાથાની ફરિયાદ મામલે અરજી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનો અંતિમ દિવસ ભારે ચર્ચા અને વિવાદ વચ્ચે પૂર્ણ થયો હતો. કાર્યક્રમ દરમિયાન કથિત રીતે ભૂત-પ્રેત અને ડાકિની-શાકિનીની અસર દૂર કરવાની વિધિઓ કરવામાં આવી હોવાના દાવાઓ સામે આવ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો અચાનક ધૂણવા લાગ્યા હતા અને સમગ્ર ઘટનાના વીડિયો તેમજ દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ, દરબાર દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વિશેષ હુંકાર કર્યા બાદ આશરે 10થી 15 લોકો અચાનક ધૂણવા લાગ્યા હતા. હાજર ભક્તોમાંથી કેટલાક લોકોના શરીરમાં પ્રેતાત્મા અથવા અન્ય અદૃશ્ય શક્તિઓનો પ્રવેશ થયો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોમાં આ દૃશ્યોને લઈને ભારે કૌતુક અને ચર્ચા જોવા મળી હતી.
દરમિયાન એક મહિલાએ પોતાને શરીરમાં પ્રેત આવ્યાનો દાવો કરતાં અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહિલાએ ત્યાં ફરજ બજાવી રહેલા બાઉન્સર્સ તેમજ ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાને પગલે કાર્યક્રમ સ્થળે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સુરક્ષા કર્મચારીઓએ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આ સમગ્ર મામલે અગાઉથી બાગેશ્વરધામ અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કાર્યશૈલીનો વિરોધ કરતા સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે કહેવાતા ભૂત-ચુડેલોના નામે ધૂણતા લોકો દ્વારા પત્રકારો અને અન્ય વ્યક્તિઓ પર હુમલો થવો અત્યંત નિંદનીય ઘટના છે. જાહેર કાર્યક્રમમાં આવા દૃશ્યો રજૂ થવાથી સમાજમાં અંધશ્રદ્ધા અને અવિજ્ઞાનિક માન્યતાઓને પ્રોત્સાહન મળતું હોવાનું તેમણે જણાવ્યું હતું.
પીપળીયાએ વધુમાં જણાવ્યું હતું કે ડાકિની, શાકિની અને પિશાચિની જેવા દાવાઓના નામે જાહેરમાં લોકોને ધૂણાવવાની તથા અંધશ્રદ્ધા ફેલાવવાની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમણે આ મામલે પોલીસ દ્વારા સુઓમોટો ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠાવી છે. આ માટે સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત અરજી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ મોટી સંખ્યામાં ભક્તો દિવ્ય દરબારને આધ્યાત્મિક કાર્યક્રમ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિવેકવાદી અને સામાજિક કાર્યકરો આવા દૃશ્યોને અંધશ્રદ્ધાના પ્રચાર તરીકે ગણાવી રહ્યા છે. હવે પોલીસ અને વહીવટી તંત્ર આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.


