જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું નામ
‘ટગ ઓફ વોર’ નેશનલ ચેમ્પિયનશિપ’માં મેળવ્યો બ્રોન્ઝ મેડલ
અગ્ર ગુજરાત, રાજકોટ
જૂનાગઢની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સંસ્થા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના રમતગમત ક્ષેત્રે વધુ એક સુવર્ણ યશકલગી ઉમેરાઈ છે. કોલેજના રમતગમત વિભાગના તેજસ્વી વિદ્યાર્થી દેગામા કરણે જમ્મુ-કાશ્મીર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ સ્થિત જી.ક્યુ. પબ્લિક સ્કૂલના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૨ થી ૨૯ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘૨૮મી સબ-જુનિયર, ૩૯મી જુનિયર અને ૩૯મી સિનિયર ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ (પંડિત ગૌતમ કૌલ કપ ૨૦૨૬-૨૭)’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘ટગ ઓફ વોર ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (Tug-of-War Federation of India) અને ‘જમ્મુ અને કાશ્મીર ટગ ઓફ વોર એસોસિએશન’ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરની વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
આ ૩૯મી નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં અદભુત ખેલદિલી અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરીને ‘ટીમ ગુજરાત સમગ્ર ભારતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને દેશભરમાં કાંસ્ય પદક મેળવવામાં સફળ રહી છે. ગુજરાતની આ વિજેતા ટીમમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી દેગામા કરણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિદ્યાર્થી કરણ દેગામાની આ ઐતિહાસિક સફળતા પાછળ તેની પોતાની અથાગ પ્રેક્ટિસ અને કોલેજના રમતગમત વિભાગના અધ્યક્ષ ડૉ. મોહસીન આઝાદ કુરેશીનું સચોટ અને પ્રોત્સાહક માર્ગદર્શન રહેલું છે. ડૉ. કુરેશીએ વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખી, તેમની સાથે સતત મેદાન પર રહીને જે સખત મહેનત કરાવી હતી, આજે તેનું જ આ મધુર ફળ કોલેજ અને ગુજરાત રાજ્યને પ્રાપ્ત થયું છે. રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીતીને કોલેજ પરત ફરેલા ખેલાડી કરણ દેગામાનું કોલેજ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી પ્રસંગે કોલેજના આદરણીય આચાર્ય ડૉ. જે.આર.વાંઝા તથા તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પી. વી. બારસીયા દ્વારા વિદ્યાર્થી કરણ દેગામાને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


