બામણબોર ચેકપોસ્ટે ટ્રકમાં સિરામીક પાવડરની બોરીઓ નીચે છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો
રાજસમંદથી રાજકોટ પહોંચતો 12.26 લાખનો મુદ્દામાલ ઝડપી લેતું PCB ; બે રાજસ્થાની ઝડપાયા, સપ્લાયર સહિત રાજકોટના બે શખ્સોની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર પોલીસની પી.સી.બી. શાખાએ દારૂની હેરાફેરી સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી સિરામીક પાવડરના જથ્થાની આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાં સવાર રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે પૂછપરછ દરમિયાન રાજસ્થાનના સપ્લાયર તેમજ રાજકોટના બે મંગાવનારાઓના નામ ખુલતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં ટ્રક, દારૂ અને અન્ય સામાન સહિત કુલ રૂ. 12.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેર પી.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી દારૂ ભરેલો ટ્રક અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી પસાર થવાનો છે. બાતમીના આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન આરજે-02-જીએ-9642 નંબરનો ટ્રક આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. શરૂઆતમાં ટ્રકમાં સિરામીક પાવડર ભરેલી પ્લાસ્ટિકની બોરીઓ જોવા મળતાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ પોલીસે બોરીઓ હટાવીને તપાસ કરતાં પાછળના ભાગમાં અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન ગ્લોબસ ગ્રીન પ્રીમિયમ વ્હિસ્કીની 2,640 બોટલો, આરજે ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કીની 960 બોટલો, વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરના 144 પાઉચ તેમજ રોયલ ક્લાસિક વ્હિસ્કીના 240 પાઉચ મળી આવ્યા હતા. દારૂની કિંમત રૂ. 3.59 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ટ્રક અને અન્ય સામાન સહિત કુલ રૂ. 12,26,424નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે ટ્રકના ચાલક રઘુવીરસિંહ રતનસિંહ ચૌહાણ તથા ગોકુલસિંહ સંગ્રામસિંહ ચૌહાણ (બંને રાજસમંદ, રાજસ્થાનના રહેવાસી)ની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં દારૂનો જથ્થો રાજસમંદ જિલ્લાના બંજારી ગામના દિનેશસિંહે મોકલાવ્યો હોવાનું તેમજ રાજકોટના ગૌતમ અને અનિલ નામના શખ્સોએ મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો દોર તેજ કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને સંયુક્ત પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એમ. આર. ગોંડલીયા, પી.એસ.આઇ. પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા સહિત પી.સી.બી.ની ટીમે આ સફળ કાર્યવાહી અંજામ આપી હતી.


