તળાજા નજીક બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, એક પલ્ટી મારી સળગ્યો: ડ્રાઈવર ભડથું
પલ્ટી બાદ શોર્ટ સર્કિટ થતાં આગની ઝપેટમાં આવ્યો ટ્રક
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તળાજા નજીક રાત્રિના આશરે ૨ વાગ્યાની આસપાસ એક સિમેન્ટ ભરેલા ટ્રક અને ક્રેઇન લઈ જઈ રહેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બે ટ્રક વચ્ચે થયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગ્યા બાદ ક્રેઇન લઈ જતો ટ્રક રોડ પર જ પલટી મારી ગયો હતો.
ટ્રક પલટી મારવાની સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઇંધણની ટાંકી ફાટવાના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં સમગ્ર ટ્રકને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. દુર્ભાગ્યે, ટ્રક પલટી મારી જવાથી ડ્રાઇવર કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો અને તેને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો, જેને કારણે ડ્રાઇવરનું આગમાં જીવતા ભૂંજાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ તળાજા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને 108 ઇમરજન્સી સેવાનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. મોડી રાત સુધી મૃતક ડ્રાઇવરની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે તેની ઓળખ મેળવવા અને અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.


