ભારવિ અને સાહિત્યસેતુ દ્વારા ત્યાં પહોંચ્યા સંજુ વાળાનો કાર્યક્રમ યોજાયો
વિવિધ કલાકારોએ શ્રોતાઓને તરબોળ કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારવિ દ્વારા દર મહિનાના બીજા રવિવારે યોજાતી બેઠકોમાં વિવિધ વિષયોને ન્યાય આપવામાં આવે છે. ઉપરાંત સમયાંતરે કોઈ એક જ વિષય અથવા સર્જક પર કેન્દ્રિત વિશેષ બેઠક પણ આયોજિત કરાતી હોય છે. જુલાઈ મહિનાની 11 તારીખે ભારવિના પ્રારંભથી જ નિયમિત સભ્ય, માર્ગદર્શક અને ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ સંજુ વાળાનો જન્મદિવસ હોઈ આ મહિનાની બેઠક સંજુ વાળાના જીવનકવનના પરિશીલન સાથે યોજવા વિચારણા થઇ. કાર્યક્રમની સ્વૈચ્છીક જવાબદારી આર.પી. જોશી અને સુનિલ જાદવે ઉઠાવતાં એક સુંદર જાહેર કાર્યક્રમ યોજી શકાયો.
અન્ય સાહિત્યિક સંસ્થા “સાહિત્યસેતુ”નો ઉદાર સહયોગ મળ્યો. ધર્મેન્દ્રસિંહજી કોલેજના યજમાનપદે આચાર્યશ્રી અને ગુજરાતી વિભાગના પ્રાધ્યાપકોની સુંદર વ્યવસ્થાથી કાર્યક્રમ દીપી ઉઠ્યો. બળવંતભાઈ જાનીના અધ્યક્ષપદે સુનિલ જાદવના સંચાલન તળે મહેમાનો અને વક્તાઓનું પુસ્તક વડે સ્વાગત કરાયા બાદ પ્રાધ્યાપક અશ્વિન બારડે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું.
કાર્યક્રમની સૂરીલી શરૂઆત થઇ સુખ્યાત ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણના મધુર સ્વરોથી. તેમણે સંજુભાઈની બે રચનાઓ અનુક્રમે “લેહ લાગી છે” અને “છેક શિખરની મજા” પોતાનાં મધુર અને મંજાયેલા કંઠે વહેતી મુકી અને કોલેજ પરિસરને રણઝણતું કરી દીધું.
પ્રારંભે સુનિલભાઈએ કવિ સંજુ વાળાની કવિતાઓના સ્વરૂપોનો ઉઘાડ કર્યો અને ગુજરાતી સાહિત્યમાં એ કઈ રીતે અલગ ચીલો ચાતરે છે એની વાત કાવ્યપંક્તિઓના આધારે સ્પષ્ટ કરી.
બાદમાં વક્તાઓ પૈકી કવિ ઈલિયાસ શેખે સંજુ વાળા સાથેની પ્રથમ મુલાકાત યાદ કરી. એમની કવિતાઓમાંથી એક અછાંદસનું પઠન અને આસ્વાદ કરાવ્યા. તેમણે કરેલા નાજુક શિલ્પકામની વાત ઉદાહરણ સાથે કરી. તેમનું અભ્યાસપૂર્ણ વક્તવ્ય બહુ રસપ્રદ રહ્યું.


