જમીન નોંધણી બાબતે સરકાર મૌન કેમ? પ્રજાને સ્પષ્ટ જવાબ આપો – મયુર શાહ
દસ્તાવેજમાં ખરીનકલ ખરેખર કેટલી જરૂરી છે? કોંગ્રેસના સરકારને સવાલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં પ્લોટ અને જમીનની નોંધણીના પ્રશ્ને સામાન્ય નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જમીનની નોંધણી અને રેકોર્ડમાં ફેરફાર કરવાની સત્તા તલાટી પાસે છે કે સિટી સર્વે કચેરી પાસે? સરકાર આજે સુધી આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ ગઈ છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહ અખબારી યાદીમાં જણાવે છે કે સરકારી વિભાગોની અસ્પષ્ટતા અને એકબીજા પર જવાબદારી ઢોળવાની વૃત્તિને કારણે સામાન્ય માણસ કચેરીએ કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે. એક કચેરી બીજી કચેરીમાં મોકલે છે અને અંતે પ્રજાને સમય, પૈસા અને માનસિક ત્રાસ સિવાય કંઈ મળતું નથી. આ સ્થિતિ અસહ્ય અને અસ્વીકાર્ય છે.
આ ઉપરાંત, જમીનના દસ્તાવેજ (રજિસ્ટર્ડ સેલ ડીડ) કરતી વખતે “ખરી નકલ” (Certified Copy) કયા સંજોગોમાં ફરજિયાત છે અને કયા સંજોગોમાં નથી, તેની પણ રાજ્ય સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ. હાલમાં અલગ-અલગ કચેરીઓમાં જુદી-જુદી માંગણીઓ થતી હોવાથી પ્રજાને વધારાના ખર્ચ, વિલંબ અને બિનજરૂરી દોડધામનો સામનો કરવો પડે છે. એક જ રાજ્યમાં અલગ-અલગ નિયમો પ્રમાણે કામ થવું યોગ્ય નથી.
જો રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ નિયમો છે તો તે જાહેર કેમ કરવામાં આવતા નથી? અને જો નિયમો જ સ્પષ્ટ નથી, તો વર્ષોથી પ્રજાને મૂંઝવણમાં કેમ રાખવામાં આવી રહી છે? સરકારનો આ ગૂંચવણભર્યો અભિગમ માત્ર બેદરકારી જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના અધિકારો સાથેનો અન્યાય છે.
સરકારે તાત્કાલિક જાહેર કરવું જોઈએ કે કયા પ્રકારની જમીન અને પ્લોટના કેસમાં સત્તા તલાટી પાસે છે, કયા કેસમાં સિટી સર્વે કચેરી પાસે છે અને દસ્તાવેજ નોંધણી વખતે ખરી નકલ ક્યારે ફરજિયાત છે અને ક્યારે નથી. રાજ્યભરમાં એકસરખી, પારદર્શક અને ઓનલાઈન ઉપલબ્ધ માર્ગદર્શિકા બહાર પાડીને અધિકારીઓની મનમાની પર રોક લગાવવી જોઈએ.
જો સરકાર આ મુદ્દે તાત્કાલિક સ્પષ્ટતા નહીં કરે, તો સામાન્ય નાગરિકોના હિતમાં વ્યાપક જનઆંદોલન ઊભું કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.


