20 લાખના લાંચ કેસમાં CGST સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટના ખાસ અદાલતે જામીન ફગાવ્યા
ચાર્જશીટ બાદ પણ ગંભીરતા યથાવત ગણાઈ; સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર ન ચાલ્યો, હાઈકોર્ટના અગાઉના નિર્ણયોને ધ્યાનમાં લઈ અદાલતનો કડક અભિગમ
અગ્ર ગુજરાત, રાજકોટ
સી.જી.એસ.ટી. કચેરીમાં લાંચના ₹20 લાખના ચર્ચાસ્પદ કેસમાં આરોપી સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધકુમાર અને તેમની તરફથી રકમ સ્વીકારનાર ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને ખાસ અદાલતે કોઈ રાહત આપી નથી. ચાર્જશીટ દાખલ થયા બાદ કરવામાં આવેલી નિયમિત જામીન અરજી ખાસ અદાલતના ન્યાયાધીશ ટી.એસ. બ્રહ્મભટ્ટે નામંજૂર કરી છે.
કેસ મુજબ, ફરિયાદી ધનેશકુમાર પારેખ સામે જી.એસ.ટી. નોંધણી અને કથિત ખોટા બિલોને લઈને ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ગંભીર કેસ ન નોંધાય તે માટે શરૂઆતમાં ₹25 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદમાં ₹20 લાખમાં સેટલમેન્ટ થયું હોવાનું એ.સી.બી.ની તપાસમાં સામે આવ્યું હતું. આ રકમ સીધી સરકારી અધિકારીને નહીં પરંતુ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને આપવા જણાવાયું હતું.
એ.સી.બી.ના ટ્રેપ દરમિયાન 28 એપ્રિલ, 2026ની રાત્રે આકાશ કલોલીયા પોતાની ઓફિસમાં ₹20 લાખની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસમાં સી.જી.એસ.ટી. સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધકુમારની સંડોવણી બહાર આવતા બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જામીન અરજી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આરોપીઓને જેલમાં રાખવાનું કોઈ વાજબી કારણ રહ્યું નથી. વધુમાં, સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ ધરાવતા ગુનામાં સુપ્રીમ કોર્ટના અર્નેશકુમાર ચુકાદાનો આધાર લઈને જામીન મળવા જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
જોકે, સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરાએ તેનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે બંને આરોપીઓ વચ્ચે થયેલા ટેલિફોનિક સંવાદ અને કેસની સમગ્ર પરિસ્થિતિ પ્રાથમિક દૃષ્ટિએ લાંચના વ્યવહાર તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. વધુમાં, આકાશ કલોલીયા પાસે મળેલી ₹20 લાખની રકમ કયા કાયદેસરના વ્યવહારના બદલામાં લેવામાં આવી હતી તે અંગે કોઈ સંતોષકારક સ્પષ્ટતા આપવામાં આવી નથી.
સરકાર પક્ષે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના લાંચ કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે કેસમાં સહઆરોપીના નિવેદનના આધારે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરની જામીન અરજી નામંજૂર કરી હતી. સાથે જ, તે જ કેસમાં આરોપી વકીલ જીતેન્દ્ર રાઠોડની જામીન અરજી ફગાવતાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ જો ભ્રષ્ટાચારના ગુનામાં મદદગાર બને તો તેની ભૂમિકાને પણ ગંભીરતાથી જોવી જરૂરી બને છે.
આ તમામ દલીલો અને કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને ખાસ અદાલતે સી.જી.એસ.ટી. સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધકુમાર તેમજ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા બંનેની ચાર્જશીટ બાદની નિયમિત જામીન અરજીઓ ફગાવી દીધી છે. કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાએ દલીલો રજૂ કરી હતી.


