ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો
વોરાકોટડા રોડના આવાસ ક્વાર્ટરમાં દરોડો પાડી 5.592 કિલો ગાંજો જપ્ત કર્યો : ગઢડા સ્વામીનાનો સાજીદ ઉર્ફે ભીખો માલ આપી ગયો હોવાની કબૂલાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા પોલીસની ‘સે નો ટુ ડ્રગ્સ’ ઝુંબેશ હેઠળ રૂરલ એસઓજીએ ગોંડલમાં વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી આવાસ યોજના ખાતે રહેતા એક શખ્સના મકાનમાં દરોડો પાડી પોલીસે અંદાજે રૂ. 2.79 લાખ કિંમતનો 5 કિલો 592 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ કેસમાં ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઈ સુમરા નામના પેડલરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગાંજો સપ્લાય કરનાર તરીકે સામે આવેલા ગઢડા સ્વામીનાના સાજીદ ઉર્ફે ભીખાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોના નેટવર્ક સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. તેના ભાગરૂપે રૂરલ એસઓજીના પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા તથા તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી અને ક્રિપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે વોરાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરના એક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. તેની તપાસ કરતાં અંદરથી કુલ 5.592 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 2.79 લાખ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી ઈમ્તિયાઝ ઉર્ફે લાલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે આ ગાંજાનો જથ્થો આશરે એક અઠવાડિયા અગાઉ બોટાદ જિલ્લાના સ્વામીનાં ગઢડામાં રહેતા સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડિયા તેને આપી ગયો હતો. આ માહિતીના આધારે પોલીસે સાજીદને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે ઝડપાયેલો ઈમ્તિયાઝ ઉર્ફે લાલો અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાઈ ચૂક્યો છે. તેની સામે આટકોટ પોલીસ મથકે પ્રોહિબિશન, ગોંડલ સિટી પોલીસ મથકે મારામારી, રાજકોટ ડીસીબીમાં પ્રોહિબિશન તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા અને વિંછીયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં ખુલ્યું છે.
આ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ગોંડલ બી-ડિવિઝન પોલીસને સોંપી છે. સાથે જ ગાંજાના સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસનો દોર વિસ્તરાવવામાં આવ્યો છે.


