રાજકોટમાં દિક્ષિત થયેલ ચાર ભગવંતોની શહેરમાં થશે પધરામણી
ગુરૂવારે સ્વામિનારાયણ મંદિરમાં યોજાશે ચાતુર્માસ શુભેચ્છા સમારોહ : જૈન સંપ્રદાયમાં અનેરો ઉત્સાહ : વિવિધ અનુષ્ઠાનનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટના આંગણે અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી આદી ગુરુવર્યો એવમ્ પૂ.મહાસતિજીઓ આગામી ચાતુર્માસ- કલ્પનો મહા લાભ સૌરાષ્ટ્રની ધર્મ નગરી રાજકોટ શ્રી અજરામર સંઘમાં આપશે. તા.૧૬/૭/૨૦૨૬ ગુરુવારે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર મુખ્ય સભાગૃહ ખાતે સવારે ૯:૦૦ કલાકે ચાતુર્માસ શુભેચ્છા સમારોહ યોજાશે. અજરામર સંપ્રદાય, ગોંડલ સંપ્રદાય, ગોંડલ સંઘાણી સંપ્રદાય તથા કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ગુરુ ભક્તો ઉપસ્થિત રહેશે..
ચાતુર્માસ પ્રવેશ ધર્મ યાત્રા સવારે ૭ : ૧૫ કલાકે ભગવાન મહાવીર સ્વામી ચોકથી જિન શાસનના જય ઘોષ સાથે શુભારંભ થશે.મહિલા કોલેજ બ્રીજ ઉપર થઈને કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે શોર્ય ભાવ ચાતુર્માસ શુભેચ્છા સમારોહમાં પ્રવર્તિત થશે.
ધર્મ નગરી રાજકોટમાં લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા પૂ. છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી આદી ઠાણા ૮ તથા પૂ. શ્રી જયોતિ- રશ્મિ પરિવાર પૂ.શ્રી ઓજસજી મ.સ.ના સુશિષ્યા પૂ. શ્રી ભદ્રતાજી મ.સ. ઠાણા ત્રણ સહિત ૧૧ પંચ મહાવ્રતધારી આત્માઓ જેમાં રાજકોટનો ધર્મ પ્રેમી સંઘવી પરિવારના ચાર – ચાર હળુ કર્મી આત્માઓ રાજકોટ અજરામર સંઘના આંગણે સં. ૨૦૧૧ની સાલમાં દીક્ષિત થયેલ સંયમી આત્માઓ પણ સૌપ્રથમ વખત ચાતુર્માસ-કલ્પ રાજકોટ ખાતે આચાર્ય ભગવંત સાથે પધારી રહ્યાં હોય સંઘમાં ઉત્સાહ બેવડાયો છે.
આચાર્ય પદ પ્રાપ્ત થયા બાદ રાજકોટમા પ્રથમ વખત ચાતુર્માસ કલ્પનો મહા લાભ આપવા પધારી રહ્યા હોય જબરદસ્ત ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ચાતુર્માસમા જ્ઞાન,દર્શન, ચારિત્ર,તપ, નવ લાખ ઉપરાંત નવકાર મંત્રના જાપ , જ્ઞાન શિબિર સહિત અનેક ધાર્મિક અનુષ્ઠાનો દાન,શીલ,તપ અને ભાવ ભક્તિ સભર અનેકવિધ રૂડા આયોજન થશે. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે સૌને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમંત્રણ છે. સવારે નવકારશી તથા બપોરે સાધર્મિક ભક્તિનુ આયોજન રાખવામાં આવેલ છે.
ચાતુર્માસ નગર પ્રવેશ પ્રસંગે અજરામર સંપ્રદાય,ગોંડલ સંપ્રદાયના પૂ.જશ – ઉતમ – પ્રાણ પરિવાર, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂ.સંત – સતિજીઓ ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામી સહિત અનેક પંચ મહાવ્રતધારી આત્માઓના દર્શન – વંદનનો લાભ મળશે. દરેક ધર્મ પ્રેમીઓને ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે પધારવા શ્રી અજરામર સ્થા.જૈન સંઘ,રાજકોટ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે. વિશેષ માહિતી માટે સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર મો. ૯૮૨૫૩ ૩૬૧૯૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


